Updated: Oct 3rd, 2023
– છ મહિનામાં યુરો ચલણમાં ડબલ નફાનું પ્રલોભન આપી ચાર મિત્રોના પૈસા પડાવી હીરલ ગાંધી ભુગર્ભમા, બાઇક ભટારમાંથી બિનવારસી મળ્યું
– પોર્ટુગલ રહું છું અને ગ્રોસરી સ્ટોર્સ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ છે કહી વિદેશના અન્ય શહેરોમાં ધંધાના વિકાસ માટે મૂડી રોકાણની ઓફર કરી હતી
સુરત
અડાજણ-હનીપાર્ક ચાર રસ્તા નજીક શિવાની પાર્ક કોમ્પ્લેક્ષમાં રહેતા ગાંધી પરિવારે પોર્ટુગીઝમાં ગ્રોસરીના ધંધામાં માત્ર 6 મહિનામાં યુરો ચલણમાં ડબલ નફાની લાલચ આપી જહાંગીરાબાદના યુવાન સહિત ચાર મિત્રો પાસેથી રૂ. 55 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે.
મોરાભાગળ જહાંગીરાબાદના ગોકુલ નગરમાં રહેતા ઘનશ્યામ ખીમાભાઇ ભરવાડ (ઉ.વ. 30) ની વર્ષ 2021 ના ડિસેમ્બર મહિનામાં હીરલ પીનાકીન ગાંધી (રહે. એ 207, શિવાની પાર્ક એપાર્ટમેન્ટ, ભુમિ કોમ્પ્લેક્ષ સામે, હનીપાર્ક રોડ, અડાજણ) સાથે પરિચય થયો હતો.
જે તે વખતે હીરલ ગાંધીએ પોતે પોર્ટુગીઝ રહે છે અને ગ્રોસરી સ્ટોર્સ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાકટ રાખતો હોવાનું કહી વિદેશના અન્ય શહેરમાં સ્ટોર્સ શરૂ કરવા અને ગ્રોસરીના ધંધામાં વિકાસ કરવા મૂડી રોકાણ કરવાની ઓફર કરી છ મહિનામાં યુરો ચલણમાં ડબલ નફો મળશે તેવી લાલચ આપી હતી. જેથી ઘનશ્યામે તેના મિત્ર કેતન પરમાર, રવિભાઇ, રાજીવ વલ્લભ મહીડાને વાત કરી હતી. છ મહિનામાં ડબલની લાલચમાં ઘનશ્યામ અને તેના મિત્રોએ કુલ રૂ. 55 લાખ હીરલ ગાંધીના રહેણાંક ખાતે તેની પત્ની નિધી હીરલ ગાંધી, પિતા પિનાકીગન અરૂણ ગાંધી અને માતા રેખાબેન પિનાકીન ગાંધીની હાજરીમાં આપ્યા હતા. છ મહિના બાદ ઘનશ્યામ અને તેના મિત્રોએ નફાની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ હીરલ પોર્ટુગીઝ જઇ ધંધો કરવાના બદલે સુરતમાં જ હરતો ફરતો હતો અને નફો કે મુદ્દલ આપવા માટે વાયદા પર વાયદા કરવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ અચાનક જ હીરલ ગાંધી ગત 23 સપ્ટેમ્બરના રોજ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો અને તેની બાઇક ભટાર વિસ્તારમાંથી બિનવારસી મળી આવી હતી. બીજી તરફ ઘનશ્યામ અને તેના મિત્રો ઉઘરાણીએ હીરલના ઘરે જતા તેના પરિવારે ધમકી આપી હતી કે આજ પછી હવે ઉઘરાણીએ આવવું નહીં.