વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં દેશની નિકાસ છ ટકા વધીને રેકોર્ડ 447 અબજ ડોલર થઈ છે. મુખ્યત્વે પેટ્રોલિયમ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને મરીન પ્રોડક્ટ્સ સેક્ટરમાં સારી કામગીરીને કારણે નિકાસ સારી રહી છે. અગાઉના નાણાકીય વર્ષ 2021-22માં નિકાસ $422 બિલિયન હતી.
દેશની આયાત પણ સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષમાં 16.5 ટકા વધીને $714 બિલિયન થઈ છે, જે એક વર્ષ અગાઉ 2021-22માં $613 બિલિયન હતી. ગોયલે જણાવ્યું હતું કે માલસામાન અને સેવાઓની નિકાસ નવી ઊંચાઈએ પહોંચી છે અને 2022-23માં 14 ટકા વધીને 770 અબજ ડોલર થવાની ધારણા છે જે એક વર્ષ અગાઉ 676 અબજ ડોલર હતી.
મંત્રીએ રોમમાં પત્રકારોને કહ્યું, “…ભારતની નિકાસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દેશમાંથી કુલ નિકાસ 2022-23માં $770 બિલિયનની નવી ટોચે પહોંચવાની તૈયારીમાં છે. જે ગત નાણાકીય વર્ષ કરતાં 14 ટકા વધુ છે.
2020માં તે $500 બિલિયન અને 2021-22માં $676 બિલિયન હતું.” દેશની સર્વિસ એક્સપોર્ટ પણ 2022-23માં 27.16 ટકા વધીને $323 બિલિયન થઈ ગઈ છે જે પાછલા નાણાકીય વર્ષમાં $254 બિલિયન હતી. “તે ખરેખર આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિસ્તરણનો સંકેત છે,” તેમણે કહ્યું.