ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 6.4 ટકા થવાની ધારણા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ મંગળવારે આ જાણકારી આપી.
ADBએ કહ્યું કે ચુસ્ત નાણાકીય વલણ અને તેલની કિંમતોમાં વધારાને કારણે અર્થતંત્ર પર દબાણ રહેશે. માર્ચ 2023માં પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે.
જોકે, ADBએ આશા વ્યક્ત કરી છે કે ખાનગી વપરાશ અને ખાનગી રોકાણમાં ઉછાળાને કારણે 2024-25માં દેશનો આર્થિક વિકાસ દર વધીને 6.7 ટકા થશે.
આ સિવાય ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને બિઝનેસ એન્વાયર્નમેન્ટમાં સુધારો કરવા માટેની સરકારી નીતિઓ પણ અર્થતંત્રને વેગ આપશે. ADB એ તેના ફ્લેગશિપ પ્રકાશન – એશિયન ડેવલપમેન્ટ આઉટલુક (ADO) એપ્રિલ 2023 ની નવીનતમ સંસ્કરણમાં આ અંદાજો જાહેર કર્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023-24 માટે ભારત માટે વૃદ્ધિનો અંદાજ વૈશ્વિક આર્થિક મંદી, કડક નાણાકીય વલણ અને તેલના ભાવમાં તેજી પર આધારિત છે.
ભારતમાં ADBના કન્ટ્રી ડાયરેક્ટર ટેકિયો કોનિશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક મંદી છતાં ભારતનો આર્થિક વિકાસ દર અન્ય ઘણી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં મજબૂત છે. તેમણે કહ્યું કે આ આંકડા ભારતની પ્રમાણમાં મજબૂત સ્થાનિક વપરાશ અને વૈશ્વિક માંગ પર ઓછી નિર્ભરતાને દર્શાવે છે.