મે મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ અડધું ઘટીને રૂ. 3,240 કરોડ થયું હતું. આ રોકાણમાં સતત બીજા મહિને ઘટાડો થયો હતો કારણ કે રોકાણકારોએ વધતા બજારમાં નફો બુક કર્યો હતો. મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરતી કંપનીઓની સંસ્થા એએમએફઆઈ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા પરથી આ હકીકત સામે આવી છે. જોકે, ઇક્વિટી સેગમેન્ટમાં મૂડીપ્રવાહનો આ સતત 27મો મહિનો હતો.
ડેટ-ઓરિએન્ટેડ સ્કીમ્સમાં રૂ. 57,420 કરોડના પ્રવાહ સાથે મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણ ચાલુ રહ્યું હતું. આના પરિણામે પાછલા મહિનામાં રૂ. 1.21 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.
ઋણ આધારિત યોજનાઓમાં ગયા મહિને રૂ. 46,000 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો, જે એપ્રિલમાં રૂ. 1.06 લાખ કરોડના પ્રવાહના અડધા કરતાં ઓછો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની અસ્કયામતો-અંડર-મેનેજમેન્ટનું કદ એપ્રિલના અંતે રૂ. 41.62 લાખ કરોડથી વધીને મેના અંતે રૂ. 43.2 લાખ કરોડ થયું હતું.
ડેટા મુજબ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે મહિનામાં રૂ. 3,240 કરોડનો પ્રવાહ આવ્યો હતો, જે એપ્રિલના રૂ. 6,480 કરોડ કરતાં ઘણો ઓછો છે. આ પહેલા માર્ચમાં ચોખ્ખું રોકાણ રૂ. 20,534 કરોડ હતું.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના સેલ્સ અને માર્કેટિંગના વડા મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, “બજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે નફો બુક કરવા સિવાય વેકેશન અને શિક્ષણ માટેના વધતા ખર્ચને કારણે મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં નાણાપ્રવાહમાં ઘટાડો થયો હતો.”
વધુમાં, મે, 2023 દરમિયાન માસિક હપ્તાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધીને રૂ. 14,000 કરોડથી વધુ થયું હતું. એપ્રિલમાં તે રૂ. 13,728 કરોડ હતો.