ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે જૂનમાં રૂ. 8,637 કરોડનું રોકાણ કર્યું હતું, જે શેરબજારમાં તેજી વચ્ચે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) દ્વારા વધતા નાણાપ્રવાહને કારણે ત્રણ મહિનાની ઊંચી સપાટી છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એમ્ફીએ સોમવારે જારી કરેલા આંકડામાં આ માહિતી આપી છે.
આ પહેલા મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 3,240 કરોડ અને એપ્રિલમાં રૂ. 6,480 કરોડનું રોકાણ આવ્યું હતું. અને માર્ચ મહિનામાં રૂ. 20,534 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેસ હેડ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, “મેની સરખામણીએ જૂનમાં રોકાણ થોડું વધારે હતું. એસેટ એલોકેશન જાળવવા માટે ઉચ્ચ સ્તરે કેટલાક નફાની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ રોકાણકારો SIP અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) દ્વારા રોકાણ કરવાનું ચાલુ રાખે છે.
જૂનમાં SIP દ્વારા ઇક્વિટી ફંડમાં કુલ રૂ. 14,734 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું જે મે મહિનામાં રૂ. 14,749 કરોડ હતું. આ સતત ચોથો મહિનો છે જ્યારે SIP રોકાણ રૂ. 14,000 કરોડને વટાવી ગયું છે. રોકાણકારોમાં સ્મોલકેપ ફંડની ફાળવણી સૌથી વધુ રૂ. 5,472 કરોડ સાથે રહી હતી. આ પછી વેલ્યુ ફંડ્સમાં રૂ. 2,239 કરોડ અને મિડકેપ ફંડ્સમાં રૂ. 1,749 કરોડનું રોકાણ થયું હતું.
FIRESના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) ગોપાલ કાવલીરેડ્ડીએ જણાવ્યું હતું કે, “2023ના પ્રથમ છ મહિનામાં લાર્જ-કેપ શેરોના નબળા પ્રદર્શનને કારણે રોકાણકારો સમજદારીપૂર્વક સ્મોલકેપ ફંડ્સ તરફ વળ્યા છે.” ઇક્વિટી સિવાય, જૂન દરમિયાન હાઇબ્રિડ સ્કીમ્સમાં રૂ. 4,611 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.