IPL 2022 CSK vs KKR: ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલની 15મી સીઝનની પ્રથમ મેચ આજે એટલે કે 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કોલકાતાએ ચેન્નાઈને 6 વિકેટે હરાવી સિઝનમાં પોતાની જીતની શરૂઆત કરી હતી. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને ચેન્નાઈને 5 વિકેટે 131 રન પર રોકી દીધું અને પછી 4 વિકેટના નુકસાને 18.3 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. આ જીત સાથે કોલકાતાએ IPL 2021ની ફાઈનલમાં ચેન્નાઈ સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.
ચેન્નાઈ તરફથી મળેલા 132 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અજિંક્ય રહાણે (44) અને વેંકટેશ અય્યર (16)એ પ્રથમ વિકેટ માટે 38 બોલમાં 43 રનની ભાગીદારી કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રહાણેએ ત્યારપછી નીતિશ રાણા (21) સાથે બીજી વિકેટ માટે 22 બોલમાં 33 રન જોડીને ટીમને મેચમાં જાળવી રાખી હતી. જોકે, ડ્વેન બ્રાવોએ પહેલા વેંકટેશ અને પછી રાણાને આઉટ કરીને ચેન્નાઈને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
વેંકટેશે 16 બોલમાં બે ચોગ્ગા, રહાણેએ 34 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા જ્યારે રાણાએ 17 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 87 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સુકાની શ્રેયસ અય્યર (20 અણનમ) અને સેમ બિલિંગ્સ (25)એ ચોથી વિકેટ માટે 35 બોલમાં 36 રનની ભાગીદારી કરીને ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. બિલિંગ્સે 22 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો જ્યારે સુકાની અય્યરે 19 બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ચેન્નાઈ તરફથી બ્રાવોએ ત્રણ અને મિશેલ સેન્ટનરે એક વિકેટ ઝડપી હતી.
આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટે 131 રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ માત્ર 61 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ સુકાની રવિન્દ્ર જાડેજા સાથે મળીને 9.1 ઓવરમાં 70 રન જોડ્યા. માહી 131.58ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવામાં સફળ રહ્યો હતો. ત્રણ વર્ષના ગાળા બાદ આ તેની પ્રથમ અર્ધસદી છે. અગાઉ, એમએસ ધોનીએ 21 એપ્રિલ 2019ના રોજ બેંગલુરુમાં આરસીબી સામે 48 બોલમાં 84 રન બનાવ્યા હતા. આ મેચમાં તે અણનમ રહ્યો હતો.
ધોની ઉપરાંત રોબિના ઉથપ્પાએ 28 અને જાડેજાએ અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું. ધોનીએ 38 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા અને તેની કારકિર્દીની 24મી ફિફ્ટી પૂરી કરી. કોલકાતા તરફથી ઉમેશ યાદવને બે અને વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલને એક-એક સફળતા મળી હતી.