જળગાંવઃ પતિ-પત્નીનો સંબંધ એક રથના જ બે પૈડા જેવો હોય છે અને અને આ જ કારણસર બંનેમાંથી જો કોઈ એક પણ ખોટકાય તો સંસારની ગાડી ખોટકાઈ જાય છે. આજે આપણે અહીં જે ઘટના વિશે વાત કરવાના છીએ એ ઘટનામાં પતિ-પત્નીના અનોખા મજબૂત બંધનની વાત છે અને જિયેંગે તો સાથ મરેંગે તો ભી સાથની વાતને યથાર્થ સાબિત કરી બતાવી છે. પત્નીના નિધનના સમાચાર મળ્યાના કલાકોમાં જ પતિએ પણ આખરી શ્વાસ લીધા હોવાની ઘટના મહારાષ્ટ્રના જળગાવં જિલ્લાના પાચોરા તાલુકામાં આવેલા સાતગાવ ડોંગરી ગામમાં બની છે.
એક સાથે પતિ-પત્નીની અંતિમયાત્રા કાઢવામાં આવતાં આખું ગામ ધ્રુસકે ચઢ્યું હતું. સિંધુબાઈ દત્તાત્રય વાણી (75) અને દત્તાત્રય ગણપત વાણી (85)એવું દંપતિનું નામ છે. સિંધુબાઈ તેમના પતિ સાથે સાતગાવ ડોંગરી ખાતે રહે છે. બણ જણ છેલ્લાં કેટલાક દિવસથી બીમાર હતા અને 21મી ફેબ્રુઆરીના સાંજે પાંચેક વાગ્યે સિંધુબાઈનું નિધન થયું હતું.
દત્તાત્રયને આ બાબતની માહિતી આપવામાં આવી નહોતી. પરંતુ દીકરીઓના રડવાનો અવાજ આવતા દત્તાત્રયને શંકા આવી હતી. પત્નીનું નિધન થયાની માહિતી મળતાં જ દત્તાત્રયને ધક્કો લાગ્યો હતો. પત્નીનો વિરહ સહન થતા દત્તાત્રયને આઘાત લાગ્યો હતો. મૃત્યુનો આઘાત ન પચાવી શકતાં દસેક કલાકમાં તેમણે પણ પ્રાણ ત્યાગી દીધા હતા.
બુધવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ સિંધુબાઈ અને દત્તાત્રય બંનેની અંતિમયાત્રા એક સાથે જ કાઢવામાં આવી હતી. ગામવાસીઓમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે બંને જણ જીવ્યા પણ સાથે અને બંનેનું મૃત્યુ પણ આખરે સાથે જ આવ્યું હતું. ગામમાં આવી ઘટના પહેલી વખત જ બની હતી અને આખા ગામે આ દંપતિને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.