ભારતમાં નોકરીઓ ઘટી, ઓફિસમાંથી કામ કરતા પ્રોફેશનલ્સની ભરતીમાં 3 ટકાનો ઘટાડો થયો

by Aadhya
0 comment 2 minutes read

ભારતમાં જૂન મહિનામાં ઓફિસમાં કામ કરતા પ્રોફેશનલ્સની ભરતીમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એક અહેવાલમાં જણાવાયું છે કે IT, રિટેલ, BPO, શિક્ષણ, FMCG અને વીમા ક્ષેત્રોમાં નબળા સેન્ટિમેન્ટની આ અસર છે.

નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ અનુસાર, જૂન 2023માં ભરતી માટેની જાહેરાતોની સંખ્યા વાર્ષિક ધોરણે ત્રણ ટકા ઘટીને 2,795 થઈ ગઈ હતી જે એક વર્ષ અગાઉ 2,878 હતી. મહિના દર મહિનાના આધારે પણ ભરતીની જાહેરાતોમાં બે ટકાનો ઘટાડો થયો છે.

નોકરી જોબસ્પીક એ દર મહિને બહાર પાડવામાં આવતો ઇન્ડેક્સ છે જે ભારતીય જોબ માર્કેટની સ્થિતિ અને ભરતી પ્રવૃત્તિઓનો અહેવાલ આપે છે.

Naukri.comના ચીફ બિઝનેસ ઓફિસર પવન ગોયલે જણાવ્યું હતું કે, “ભારત હાલમાં પ્રોફેશનલ ઓફિસ વર્કર્સ માટે જોબ માર્કેટમાં માળખાકીય પરિવર્તનનું સાક્ષી છે. લાંબા સમયથી, ટેકનોલોજી ક્ષેત્રે અને મોટા શહેરોમાં સૌથી વધુ નોકરીઓ જોવા મળી હતી. પરંતુ હવે રિયલ એસ્ટેટ, તેલ અને ગેસ, ફાર્મા અને બેંકિંગ અને ફાઇનાન્સ જેવા ઉભરતા ક્ષેત્રો પણ રોજગાર વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, IT ઉદ્યોગમાં ભરતી પ્રવૃત્તિઓ હજુ પણ ચિંતાનો વિષય છે. જૂનમાં પણ નવી નોકરીઓ અગાઉના વર્ષની સરખામણીમાં 31 ટકા ઘટી હતી. આઈટી સેક્ટર સાથે સંબંધિત તમામ પ્રકારની કંપનીઓમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રિટેલ, બીપીઓ, શિક્ષણ, દૈનિક વપરાશના સામાન (એફએમસીજી) અને વીમા ક્ષેત્રોમાં નવી ભરતીઓને લઈને અસ્વસ્થતાની સ્થિતિ હતી.

રિપોર્ટ અનુસાર મોટા શહેરોને બદલે પ્રમાણમાં નાના શહેરોમાં નવી ભરતી વધુ ઝડપથી થઈ રહી છે. અમદાવાદમાં નવી ભરતી કરનારાઓની સંખ્યામાં એક વર્ષ અગાઉની સરખામણીએ 23 ટકાનો વધારો થયો છે.

You may also like

Leave a Comment