Updated: Nov 30th, 2023
– આજથી શિયાળુ સત્રના સમય સાથે શાળાના સમયમાં અડધા કલાકનો ઘટાડો કરાયો
સુરત,તા.30 નવેમ્બર 2023,ગુરુવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજથી પ્રારંભ થયો છે પરંતુ બન્ને પાળીમાં વિદ્યાર્થીઓની સંખ્યા માંડ પંદરેક ટકા જેટલી જ જોવા મળી હતી. જોકે, હજી પણ વીક એન્ડ સુધી સંખ્યામાં કોઈ વધુ વધારો થાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે.
હાલ પડેલા દિવાળી વેકેશન બાદ આજથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું નવું સત્ર શરૂ થયું છે. હાલ શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે તેના કારણે બન્ને પાળીમાં શાળાના સમયમાં અડધા કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. સવારની પાળી 7:55 વાગ્યે શરૂ થશે અને 12:30 સુધીની રહેશે અને બપોરની પાળી 12:40 થી સાંજે 5:15 વાગ્યા સુધીની રહેશે. આજે પહેલા દિવસે સવારની પાળીમાં તો ગણ્યા ગાઠ્યા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. ત્યારબાદ બપોર પાળીમાં માંડ પંદરેક ટકા જેટલા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. જેના કારણે આજે પહેલા દિવસે શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણનો પ્રારંભ ધીમો થયો છે.