દેશની સૌથી મોટી ઓટોમેકર મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ સેગમેન્ટમાં 25 ટકા હિસ્સા સાથે માર્કેટ લીડર બનવા માટે આ વર્ષના અંત સુધીમાં તેની SUV (સ્પેશિયલ યુટિલિટી વ્હીકલ)નું વેચાણ બમણું કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
MSI સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO- સેલ્સ એન્ડ માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કંપની હવે SUV સેગમેન્ટ પર વિશેષ ભાર મૂકે છે. મારુતિ હવે એસયુવી સેગમેન્ટમાં પણ અગ્રણી સ્થાન હાંસલ કરવા માંગે છે, જેના માટે તેણે આક્રમક લક્ષ્ય નક્કી કર્યું છે.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ગત નાણાકીય વર્ષમાં, અમે 2.02 લાખ એસયુવીના વેચાણ સાથે લગભગ 13 ટકા બજારહિસ્સો હાંસલ કર્યો હતો. અમે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ પાંચ લાખ એસયુવી વેચવાનો ઇરાદો ધરાવીએ છીએ.
તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં કુલ 19 લાખ SUVનું વેચાણ થવાની ધારણા છે. આ રીતે મારુતિ કુલ માર્કેટ શેરના 25 ટકાથી વધુ કબજે કરવા માંગે છે.
સ્થાનિક પેસેન્જર વાહન બજારમાં SUV સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટ તરીકે ઉભરી આવી છે. 2018માં SUVનો વાહન બજાર હિસ્સો 24 ટકા હતો પરંતુ 2022માં તે વધીને 43 ટકા થઈ ગયો છે.
બ્રેઝા અને ગ્રાન્ડ વિટારા ઉપરાંત, મારુતિ સુઝુકીની એસયુવી ફ્લીટને ફ્રેન્ક્સ અને જિમ્નીના રૂપમાં નવા ઉત્પાદનો પણ મળશે.