આરોગ્યમંત્રીના પી.એ ના ભાઈ તરીકે ઓળખ આપી ભેજાબાજે 10 જણ પાસે નાણાં પડાવ્યા

by Aadhya
0 comment 4 minutes read

– નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી પોતે હાર્ટના ડોક્ટર છે તેવી પણ ઓળખ આપી પૈસા પડાવનાર અમરોલીના ધો.12 પાસ ભેજાબાજ હાર્દિક આહલપરાની ધરપકડ

– ભેજાબાજે રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને રૂ.23 લાખ પડાવતા વર્ષ અગાઉ ધરપકડ થઈ હતી

સુરત, : આરોગ્યમંત્રીના પી.એ ના ભાઈ તરીકે તેમજ પોતે હાર્ટના ડોક્ટર છે તેવી ઓળખ આપી સ્મીમેર-નવી સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને સુરતના 10 યુવક-યુવતી પાસે રૂ.2.98 લાખ પડાવનાર અમરોલીના ધો.12 પાસ ભેજાબાજ હાર્દિક આહલપરાની ઉધના પોલીસે ધરપકડ કરી છે.ભેજાબાજે રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં યુવાનોને નોકરી અપાવવાના બહાને રૂ.23 લાખ પડાવતા વર્ષ અગાઉ ધરપકડ થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી રાજુલાની વતની અને સુરતમાં કતારગામ ગોપીનાથ સોસાયટી ઘર નં.6 માં રહેતી 26 વર્ષીય ઉર્વશી ગોપાલભાઇ મકવાણા ઉધના ભાઠેના ડેનીશ બેકરીની બાજુમાં નસરવજી પાર્કમાં મેડીફેલેક્ષ પેથેલોજી લેબોરેટરી ધરાવે છે.ગત 14 ઓક્ટોબરના રોજ તેના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો.તેમાં લખ્યું હતું – હું ડો.રાજીવ મહેતા હાર્ટનો એમ.ડી.સર્જન છું.તેમજ હાલના ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પી.એ. હાર્દિક મારો ભાઈ થાય છે અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જુદીજુદી જગ્યાની ભરતી છે.તમે લેબ ચલાવો છો, તમારે સરકારી નોકરી જોઈએ છે તેમ પૂછ્યું હતું.ડો.રાજીવ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે સ્મીમેરમાં કોવીડમાં લેબ ટેકનીશ્યનની ડેથ થઈ છે તેની જગ્યા ભરવાની છે.રૂ.65 હજાર સેલરી મળશે.

ઉર્વશીએ આ અંગે પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ તેમને પોતાના ડોક્યુમેન્ટ મોકલતા ડો.રાજીવ મહેતાએ ડોક્યુમેન્ટ એપ્રુવલના રૂ.20 હજાર, મોર્નીગ ડયુટી સેટ કરવાના રૂ.10 હજાર, એપ્રનના રૂ.5 હજાર, જોઈનીંગ લેટરની તારીખ લંબાવવાના રૂ.10 હજાર, એડમીશન ફોર્મના રૂ.2 હજાર મળી કુલ રૂ.47 હજાર લીધા હતા.વાતચીત દરમિયાન ડો.રાજીવ મહેતાએ બીજા કોઈ લેબ ટેકનીશ્યન છે નવી સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેમ પૂછતાં ઉર્વશીએ મોટા વરાછામાં લેબ ધરાવતી બહેનપણી ખુશ્બૂ સાવલીયાનો સંપર્ક કરાવતા ડો.રાજીવ મહેતાએ તેની પાસે રૂ.62 હજાર લીધા હતા.ડો.રાજીવ મહેતાએ ઉર્વશીના ભાઈ પિયુષને નવી સિવિલ હોસ્પિટલમાં બિલિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવા રૂ.19 હજાર તેમજ એક ડોક્ટર સહિત અન્ય સાત યુવક-યુવતીને સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને તમામ પાસેથી કુલ રૂ.2.98 લાખ પડાવ્યા હતા.

જોકે,કોઈને નોકરી નહીં મળતા તપાસ કરતા તે વ્યકિત બોગસ હોવાની જાણ થઈ હતી.આથી ઉર્વશીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે માત્ર ધો.12 પાસ અને હાલ મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા હાર્દિક જયેશભાઇ આહલપરા ( મિસ્ત્રી ) ( ઉ.વ.38, રહે.બિલ્ડીંગ નં-સી/02, ફ્લેટ નં.304, શાંતીપુજન રેસીડેન્સી, છાપરા ભાઠા રોડ, અમરોલી, સુરત. મુળ રહે.સોની ફળીયુ, શાખપુર ગામ, તા.લાઠી, જી.અમરેલી ) ની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હાર્દિકે વર્ષ અગાઉ રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં યુવાનોને નોકરી અપાવવાના બહાને રૂ.23 લાખ પડાવતા તેની ધરપકડ થઈ હતી.



ફેસબુક ફ્રેન્ડને આપેલા નાણાંના વ્યાજના ચક્કરમાં ફસાયેલા હાર્દિકે પૈસા પરત કરવા લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું

આરોગ્યમંત્રીના પી.એ ના ભાઈ તરીકે તેમજ પોતે હાર્ટના ડોક્ટર છે તેવી ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા હાર્દિકની પુછપરછમાં ખુલાસો થયો હતો કે તે વર્ષ 2017 માં ફેસબુક પર એકે યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંને સારા મિત્ર બન્યા હતા.તે યુવતીને પૈસાની જરૂર હોય હાર્દિકે રૂ.2 લાખ વ્યાજે લઈ આપ્યા હતા.જોકે, યુવતીએ તે પૈસા પરત નહીં કરતા હાર્દિકને માથે વ્યાજ ચઢવા માંડયુ હતું,આથી તેણે વર્ષ 2018 માં પોલીસના નામે આઈડી બનાવી તે યુવતી સાથે ચેટીંગ કરી પૈસા પરત આપવા ધમકી આપી હતી,યુવતીએ તે અંગે ખેડાના કઠલાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાર્દિકની ધરપકડ કરી હતી.ત્યાર બાદ હાર્દિક વ્યાજના ચક્કરમાં ફસાયો હતો અને તેણે પૈસા પરત કરવા માટે લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું.અગાઉ તે હોસ્પિટલમાં નોકરી કરતો હતો.તેથી તેણે સરકારી હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવા માંડી હતી.

Source link

You may also like

Leave a Comment