પોલીસ હવે GSTના ક્ષેત્રમાં પણ તોડ કરતી થઈ ગઈ ! : મિત્રના જીએસટી નંબર પર વેપાર કરતા કાપડ વેપારીને પરેશાન નહીં કરવા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીએ લાંચ માંગી હતી
એસીબીએ પોલીસ સ્ટેશન નજીક છટકું ગોઠવી વચેટીયા અબ્દુલ ગની શેખને ઝડપી લીધો : એસીબીની કાર્યવાહીની જાણ થતા હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો
Updated: Jan 10th, 2024
– પોલીસ હવે GSTના ક્ષેત્રમાં પણ તોડ કરતી થઈ ગઈ ! : મિત્રના જીએસટી નંબર પર વેપાર કરતા કાપડ વેપારીને પરેશાન નહીં કરવા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીએ લાંચ માંગી હતી
– એસીબીએ પોલીસ સ્ટેશન નજીક છટકું ગોઠવી વચેટીયા અબ્દુલ ગની શેખને ઝડપી લીધો : એસીબીની કાર્યવાહીની જાણ થતા હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો
સુરત, : મિત્રના જીએસટી નંબર પર વેપાર કરતા કાપડ વેપારીને પરેશાન નહીં કરવા સલાબતપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલે માંગેલી રૂ.75 હજારની લાંચને સ્વીકારતા તેના વચેટીયાને એસીબીએ ગતરાત્રે પોલીસ સ્ટેશન નજીક છટકું ગોઠવી ઝડપી લીધો હતો.એસીબીની કાર્યવાહીની જાણ થતા હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા માર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા કાપડ વેપારી તેમના મિત્રના જીએસટી નંબર પર વેપાર કરે છે.આ અંગે જાણ થતા સલાબતપુરા પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ નાથુભાઇ ભવાનભાઇ ચૌધરી અને તેનો વચેટીયો અબ્દુલ ગની સરદારભાઇ શેખ ( ઉં.વ.49, રહે.ઘર નં.303, સંજર સોસાયટી વિભાગ-3, હલીમા રેસીડન્સી પાસે, ઊન ગામ, સુરત ) ગત 29 ડિસેમ્બરના રોજ વેપારીની દુકાન પર ગયા હતા અને કહ્યું હતું કે તમે બીજાના જીએસટી નંબર પર ખોટો વેપાર કરો છો.આ અંગે તમારા વિરુદ્ધ અરજી થઈ છે.તેમાં કાર્યવાહી નહીં કરવી હોય અને પરેશાન નહીં થવું હોય તો રૂ.75 હજાર આપવા પડશે.વેપારીએ પૈસા આપવાની તૈયારી દાખવતા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીએ પૈસા તેમના વચેટીયા અબ્દુલ ગની શેખને આપી દેવા કહ્યું હતું.
જોકે, લાંચ આપવા નહીં માંગતા વેપારીએ આ અંગે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા સુરત એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.આર.સકસેનાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ આર.કે.સોલંકી અને સ્ટાફે ગતરાત્રે સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે છટકું ગોઠવ્યું હતું.તે મુજબ વેપારીએ હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી સાથે ફોન પર વાત કર્યા બાદ તેની સૂચનાથી રોડ ઉપર જ વચેટીયાને લાંચના રૂ.75 હજાર આપ્યા અને તેણે સ્વીકાર્યા તે સાથે જ એસીબીએ વચેટીયાને ઝડપી લીધો હતો.આ અંગે જાણ થતા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી ફરાર થઈ ગયો હતો.એસીબીએ ગુનો નોંધી વચેટીયાના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
એસીબીએ કલાકો સુધી કોઈ માહિતી જાહેર ન કરતા હેડ કોન્સ્ટેબલને બચાવવા ખેલ થયાની ચર્ચા
સુરત, : એસીબીએ સલાબતપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના વચેટીયાને તેના વતી રૂ.75 હજારની લાંચ સ્વીકારતા ગતરાત્રે આઠ વાગ્યાની આજુબાજુ ઝડપી લીધો હતો.તેમ છતાં એસીબીએ આ અંગે સત્તાવાર માહિતી કલાકો સુધી આપી નહોતી.એસીબીની આવી કામગીરીને લીધે હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીને બચાવવા ખેલ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.