ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે વિરાટ કોહલી અને રોહિત શર્માની યાદીમાં સામેલ થવાની શાનદાર તક છે. IPL 2022ની શરૂઆત આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની પ્રથમ મેચથી થશે. જો ધોની આ મેચમાં 65 રન બનાવી લે છે તો તે T20 ક્રિકેટમાં પોતાના 7000 રન પૂરા કરી લેશે. જો ધોની આમ કરી શકશે તો તે T20 ક્રિકેટમાં 7000 રનનો આંકડો પાર કરનાર 6ઠ્ઠો ખેલાડી બની જશે.
અત્યાર સુધી RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (10273), રોહિત શર્મા (9895), શિખર ધવન (8775), સુરેશ રૈના (8654) અને રોબિન ઉથપ્પા (7042) આ સ્થાને પહોંચ્યા છે.
ધોનીના કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 347 T20 મેચોમાં 38.31ની એવરેજ અને 134.37ની સ્ટ્રાઈકરેટ સાથે 6935 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 27 અડધી સદી પણ ફટકારી છે.
IPL 2022 ની શરૂઆતના બે દિવસ પહેલા, ધોનીએ પણ કેપ્ટનશીપ છોડી દીધી છે, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધોની જાડેજાને એવી જ રીતે તૈયાર કરશે જે રીતે તેણે વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયા માટે તૈયાર કર્યો છે.
સ્પર્ધા વિશે વાત કરીએ તો, IPLમાં CSKનો હંમેશા KKR પર ટોચનો હાથ રહ્યો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે જેમાંથી ચેન્નાઈએ 17 મેચ જીતીને પ્રભુત્વ જમાવ્યું છે. બીજી તરફ KKR માત્ર 8 મેચ જીતી શકી છે.
KKR એ 12.25 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચીને હરાજીમાં શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને તેને પોતાના કેપ્ટન તરીકે પણ નિયુક્ત કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઐય્યર આ રેકોર્ડ બદલી શકે છે કે નહીં.