પ્રશ્ન : મારા એક મિત્રને નાની નાની વાતમાં પણ સેક્સ અંગે વાતો અને મજાક કરવાની ટેવ છે. હું એને મારો સારો મિત્ર માનું છું. એ જ્યારે આવી વાતો કરે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે અને મૈત્રી તોડી નાખવાની ઇચ્છા થાય છે. જોકે મારો એ સારો મિત્ર છે અને મને અનેક રીતે મદદરૂપ થાય છે. મારે એની સાથે મૈત્રી રાખવી જોઇએ? એક યુવતી (રાજકોટ)
ઉત્તર : તમારા મિત્રને તમારી સાથે સેક્સની વાતો કરે છે. એનો અર્થ એ થયો કે એની માનસિકતા માત્ર સેક્સ સિવાય અન્ય કોઇ બાબતને મહત્ત્વ નથી આપતી. તમને જો એની આવી વાતો ન ગમતી હોય તો સારું તો એ જ રહેશે કે તમે એની સાથેની મૈત્રી તોડી નાખો, પરંતુ તમે કહો છો કે એ તમારો સારો મિત્ર છે અને તમને અનેક રીતે મદદરૂપ થાય છે.
તો એની સાથે મૈત્રી તોડી નાખવાને બદલે આ સંબંધ થોડો ઓછો કરી નાખો. તમે રોજ વાતો કરતાં હો કે મળતાં હો તો થોડો સમય વાતો કરવા અને મળવાનું ઓછું કરી દો. આમ કરશો એટલે સ્વાભાવિક રીતે જ એને સવાલ થશે કે તમારામાં આ પરિવર્તન કેમ આવ્યું અને એ તમને પૂછ્યા વિના નહીં રહે. એ જ્યારે પૂછે ત્યારે તમારે જણાવી દેવાનું કે જો સ્વસ્થ અને નિર્દોષ મૈત્રી રાખવી હોય તો જ વાતો કરવી કે મળવું. એ સમજી જશે.
પ્રશ્ન : મારા પતિનું અફેર તેની ઓફિસની જ એક યુવતી સાથે ચાલી રહ્યું છે. મારા પતિએ આ વાત સ્વીકારી છે પણ હું અમારા બાળકો માટે શાંત બેઠી છું. મને લાગે છે કે સમયની સાથે સાથે આ અફેરનો અંત આવી જશે. હવે મારા પતિ ઘરની જવાબદારીઓ પ્રત્યે પણ બેજવાબદાર બની રહ્યા છે. તેઓ નિયમિત રીતે ઘરખર્ચના કે પછી બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી આપતા. શું મારે મારા પતિના આવા વર્તનની ફરિયાદ મારાં સાસુ-સસરાને કરવી જોઇએ? એક યુવતી (સુરત)
ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. આ વાત પરિવારની સુખ શાંતિ પર સીધી અસર કરે છે. પતિનાં અફેરને સૌથી પહેલાં તો તમારી રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરો. પહેલાં પતિને સારી રીતે સમજાવો અને એનાથી બાળકો પર થતી નકારાત્મક અસર વિશે સમજાવો. તમારા બહુ પ્રયાસ પછી પણ જો તેઓ સમજવા તૈયાર ન હોય ત્યારે જ પરિવારની બહારની વ્યક્તિઓની મદદ લેવા વિશે વિચારો.
સૌથી પહેલાં સાસુ-સસરાની મદદ લેવાને બદલે પહેલાં કોમન ફ્રેન્ડ્સની મદદ લો. પુરુષો પરિવાર કરતાં મિત્રોની વાત વધારે સારી રીતે સાંભળે છે. જો મિત્રોની સમજાવટ પણ કામ ન લાગે તો પછી સાસુ-સસરાની મદદ લેવાનો વિચાર કરવો જોઇએ. તમે એને સમજાવો કે તેમના દીકરાને સમજાવાની જવાબદારી તેમની પણ છે. જો તમારા સાસુ-સસરા તમારા પતિને સમજાવી નહીં શકે તો પછી બીજું કોઇ સમજાવી નહીં શકે.
આટલા પ્રયાસો પછી પણ પતિ અફેર પર પૂર્ણવિરામ મૂકવા તૈયાર ન હોય તો સમજી જેવું જોઇએ કે તમારા પતિનાં જીવનમાં હવે તમારું કોઇ મહત્ત્વ નથી અને તેણે પોતાના જીવન માટે અલગ રસ્તો પસંદ કરી લીધો છે. આ સંજોગોમાં તમારે અને બાળકોએ પતિ પર આત્મનિર્ભર ન રહેવું પડે એવા વિકલ્પોની શોધ શરૂ કરી દેવી જોઇએ.