મહારાષ્ટ્રનું રાજકારણ અત્યાર ઉકળી રહેલાં જ્વાળામુખી જેવું છે અને એ જ સિલસિલામાં વાત કરવાની થાય તો ભવિષ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)નો મુખ્ય પ્રધાન બને તો આ મુખ્ય પ્રધાનપદ કોને મળશે એની ચર્ચાની અત્યારથી જ જોર પકડી રહી છે અને છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યમાં બેનરબાજીનું સત્ર ચાલી રહ્યું છે.
મુંબઈના રાષ્ટ્રવાદી પ્રદેશ કાર્યાલયની બહાર થોડાક થોડાક દિવસના અંતરે લગાવવામાં આવેલા બેનર આ ચર્ચાને જોર મળી રહ્યું છે. પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલ, ત્યાર બાદ વિધાન સભાના વિરોધી પક્ષના નેતા અજિત પવાર અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિયા સુળેનું બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનર પર સુપ્રિયા સુળેનો ઉલ્લેખ મહારાષ્ટ્રના પહેલાં ભાવિ મુખ્ય પ્રધાન તરીકે કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું એટલે મુંબઈના રાષ્ટ્રવાદીની ઓફિસ બહાર અમુક કાર્યકર્તાઓ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં પોલીસ દ્વારા તાત્કાલિક આ પોસ્ટર ઉતારી લેવામાં આવ્યું હતું.
બેનર પર મહારાષ્ટ્રનાં પહેલાં ભાવિ મુખ્ય પ્રધાન સુપ્રિયાતાઈ સુળે… નાદ નાય કરાય ચા’ એવી ટિપ્પણી પણ કરવામાં આવી છે. આ બેનર પર સુપ્રિયા સુળેની સાથે તેમના પિતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવારનો ફોટો પણ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં રાષ્ટ્રવાદીના મુંબઈ ઓફિસની બહાર અજિત પવારનું બેનર મહારાષ્ટ્રના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે લગાવવામાં આવ્યું હતું અને એ વખતે મહારાષ્ટ્રા ચે ભાવિ મુખ્ય પ્રધાન, એક ચ દાદા, એક ચ વાદા અજિત દાદા… એવી કમેન્ટ લખવામાં આવી છે. આ પહેલાં જયંત પાટીલના જન્મ દિવસે લગાવવામાં આવેલા બેનર પર તેમનો ભાવિ મુખ્ય પ્રધાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ બેનરબાજીને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે ટાંટિયા ખેંચ ચાલી રહી છે કે કેમ એવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
દરમિયાન આ આખા પ્રકરણમાં અજિત પવારે ખુલાસો આપતા જણાવ્યું હતું કે ભાવિ મુખ્ય પ્રધાન તરીકેના બેનર્સ લાગી રહ્યા હોય, પણ એને ખાસ મહત્ત્વ આપવાની જરૂર નથી.
આ બધા ઘટનાક્રમને મન પર લેવાની જરૂર નથી. જ્યાં સુધી 145 વિધાનસભ્યોનું સમર્થન મળશે નહીં ત્યાં સુધી કંઈ પણ થઈ શકશે નહીં. આ બધું અમુક અતિ ઉત્સાહી કાર્યકર્તાઓનું કામ છે. આવતીકાલે કોઈ ભાવિ વડા પ્રધાન તરીકેના ફ્લેક્સ પણ લગાવી શકે છે. પરંતુ બહુમત વિના કંઈ જ શક્ય નથી.