Updated: Nov 17th, 2023
Image Source: Freepik
ભેસ્તાનમાં કાપડનું કારખાનું ચલાવતા 44 વર્ષીય સુનિલ તિવારીએ 7 ઓક્ટોબરે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
પુત્રીની સ્કુલની નોટમાંથી પાનું ફાડી લખેલી સ્યુસાઈડ નોટમાં કારખાનેદારે જે હકીકત લખી હતી તેના આધારે છેવટે ચાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો
સુરત, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર
સુરતના ડીંડોલી અંબિકા હેવનમાં સવા મહિના અગાઉ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર યુવાન કારખાનેદારે લખેલી સ્યુસાઈડ નોટના આધારે ડીંડોલી પોલીસે ચાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસે ગતરોજ ચાર પૈકી એકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને સુરતમાં ડીંડોલી અંબિકા હેવન ઈ/503 માં રહેતા તેમજ ભેસ્તાન ખાતે કાપડનું કારખાનું ધરાવતા 44 વર્ષીય સુનિલભાઈ ગુલાબભાઈ તિવારીએ ગત 7 ઓક્ટોબરે સવારે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.તેમના પત્ની રાનીબેનને સુનિલભાઈએ પુત્રીની સ્કુલની નોટમાંથી પાનું ફાડી હિન્દી અને અંગ્રેજીમાં લખેલી અને શર્ટના ખિસ્સામાં રાખેલી એક સ્યુસાઈડ નોટ મળી હતી.તેમાં તેમણે લખ્યું હતું કે બબલુ દુબેને મેરી કંપની બીકવા દીયા ઔર જબરજસ્તી મુજસે એગ્રીમેન્ટ પર સાઇન કરવાયા.ઉસમેં સાક્ષીમે બબલુ ઓર દિવાકર દોનો હૈ સતીશ પાઠક ખરીદદાર હૈ ઔર એગ્રીમેન્ટ મેં ચેક નંબર જોકી પૈસા મુજે નહીં દિયા ગયા ભુસન પાટીલને એક લાખ દો હજાર મેરા નહીં દિયા જો કી બાકી થા હસમુખ પટેલ કે પાસ મેરા પેમેન્ટ થા જોકી ઉસને નહીં દિયા મેરે પાસ કોઈ રસ્તા નહીં બચા હૈ સોરી મેરી પ્યારી વાઈફ ઓર મેરે બચ્ચે – સુનિલ.
પોલીસે આ સ્યુસાઈડ નોટના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બબલુ દુબેએ કોરોના સમયે સુનિલભાઈને રૂ.10 લાખ સાત ટકાના વ્યાજે આપ્યા હતા.તેનું વ્યાજ સુનિલભાઈ સમયસર દર મહિને ચુકવતા હતા.પરંતુ તેમનું કારખાનું બંધ કરાવવા તે જગ્યાના માલિક ભુષણ પાટીલે લાઈટ કપાવી નાખી હતી અને ધંધો બંધ થતા સુનિલભાઈને પૈસાની જરૂર હતી છતાં ડીપોઝીટના રૂ.2 લાખ પણ પરત આપ્યા નહોતા.બબલુ દુબેના પૈસા ચૂકવવાના બાકી હોય સતિષ પાઠકને પાર્ટનર રાખ્યો હતો.પણ તે હિસાબ બરાબર આપતો નહોતો.હસમુખ પટેલે કોરોના પહેલા સુનિલભાઈ પાસેથી માલ લઈ તેના રૂ.6 થી 7 લાખ આપ્યા નહોતા.આ તમામને લીધે સતત ટેંશનમાં રહેતા સુનિલભાઈએ આપઘાત કર્યો હતો.
ડીંડોલી પોલીસે ગત 2 નવેમ્બરરના રોજ રાનીબેનની ફરિયાદના આધારે બબલુ દુબે, સતિષ પાઠક, ભુષણ પાટીલ અને હસમુખ પટેલ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.દરમિયાન, પોલીસે ગતરોજ વેપારી હસમુખ ચુનીલાલ પટેલ ( ઉ.વ.52, રહે. બી/32, રાજ રતન એન્ક્લેવ, સિલીકોન લક્ઝરીયા સોસાયટીની બાજુમાં, પાલ ગામ, અડાજણ, સુરત ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.