Updated: Jan 15th, 2024
– વેસુ પોલીસના નવેમ્બર 2023 થી જેલમાં કેદ છેતરપિંડીના આરોપીએ ત્રણ વર્ષથી લૂંટ વીથ મર્ડરના ગુનાના આરોપી પાસેથી મોબાઇલ લીધો હતો
સુરત
લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહેતા જેલ જડતી સ્કોર્ડ દ્વારા કાચા કામના કેદીને બાથરૂમમાં મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા રંગેહાથ ઝડપી પાડી કાચા કામના બે કેદી વિરૂધ્ધ ફરિયાદ નોંઘાવી છે.
રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવો મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે. લાજપોર જેલની સ્થાનિક જડતી સ્કોર્ડના કોન્સ્ટેબલ વિજયપુરી ગોસ્વામી તથા તેમનો સ્ટાફ ગત બપોરે સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યો હતો.
ત્યારે યાર્ડ નં. સી 7 ની જડતી કરતા બેરેક નં. 1 અને 2 ના કોમન સંડાસ બાથરૂમમાં બેરેક નં. 1 માં કાચા કામના કેદી દીપકુમાર શિવજી પાંડે કેચોડા કંપનીના મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી રહ્યો હતો. જેથી જડતી સ્કોર્ડના સિપાહી જયેશ પગીએ આરોપી દીપકુમાર પાંડે પાસેથી મોબાઇલ કબ્જે લઇ પૂછપરછ કરી હતી. જેમાં ઉપરોકત મોબાઇલ યાર્ડ નં. સી 7 માં બેરેક નં. 2 માં કેદ કાચા કામના કેદી નાગેશકુમાર ઉર્ફે અંકિત વિજય ભગતનો હોવાની કબૂલાત કરી હતી. જેથી ઇન્ચાર્જ જેલર દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં દીપકુમાર અને નાગેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે દીપકુમાર પાંડે છેતરપિંડીના ગુનામાં નવેમ્બર 2023 થી અને નાગેશ ઉર્ફે અંકિત લૂંટ વીથ મર્ડરના ગુનામાં સપ્ટેમ્બર 2020 થી જેલમાં કેદ છે.