Updated: Nov 30th, 2023
– અનેક દુકાનો છે તેવા મુખ્ય રોડ પર ચારેક ફુટ ઊંચી ઉભરાતી ડ્રેનેજ લોકો માટે આફતરૂપ, બની ગઈ છે, કેટલીક વાર ગંદા પાણીના ફુવારા ઉંચે સુધી ઉડે છે, અનેક ફરિયાદ બાદ પણ કાયમી નિરાકરણ નથી
સુરત,તા.30 નવેમ્બર 2023,ગુરુવાર
સુરત શહેરમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે પરંતુ પાલિકાના ડભોલી વિસ્તારમાં જાહેર રોડ પર આવેલી ડ્રેનેજ ચેમ્બરમાંથી નીકળતી ગંદકી રોકવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. ડભોલી મુખ્ય રોડ પર ચારેક ફૂટ ઉંચી બનેલી ડ્રેનેજ છેલ્લા ઘણા સમયથી આફતરૂપ બની રહી છે. આ ડ્રનેજ ઉભરાવવા સાથે કેટલીક વાર તો ગંદા પાણીના ફુવારો ઉડે છે તે લોકો માટે જોખમી છે, આ અંગેની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ કરી શકતું ન હોવાથી જાહેર રસ્તા પર જ ડ્રેનેજનું પાણી વહેતું જોવા મળી રહ્યું છે.
સુરત શહેરના ડભોલી મેઇન રોડ પર એક ધાર્મિક સ્થળ નજીક દુકાનોની વચ્ચે ફૂટપાટ પર રોડથી ચાર ફૂટ ઊંચું ડ્રેનેજનું ચેમ્બર પાલિકાએ બનાવ્યું છે. ગંદા પાણીના નિકાલ માટે બનાવેલું આ ચેમ્બર હવે લોકો માટે આફતરુપ બની ગયું છે. છેલ્લા ઘણા વખતથી આ ડ્રેનેજના ચેમ્બરમાંથી ગંદુ પાણી જાહેર રોડ પર ઉભરાઈને આવી રહ્યું છે. અનેક વખત દિવસ આ ગટર ઉભરાતી હોવાથી જાહેર રોડ પર ભારે ગંદકી થઈ રહી છે. પાલિકાનો વેરો ભરતા દુકાનદારોની દુકાન બહાર જ ગંધાતું પાણી વહી રહ્યું છે જેના કારણે દુકાનદારો મુલાકાતીઓ અને વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે. કેટલીક વાર ડ્રેનેજમાં ભારે પ્રેશરની કારણે ગંદા પાણીના ફુવારા ઉંચે સુધી ઉડે છે.
સ્થાનિકો દ્વારા ઘણા સમયથી આ સમસ્યા અંગે પાલિકા તંત્રને ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ આ ફરિયાદનું નિરાકરણ થતું ન હોવાથી જાહેરમાં ગંદકી વધી રહી છે અને લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. થોડા સમય બાદ આજે ફરી આ ચેમ્બરમાંથી ગટરનું પાણી રોડ પર આવી રહ્યું છે. આસપાસની દુકાનો તથા રાહદારીઓને વાસ મારતું ગદુ પાણી મુશ્કેલીમાં મુકી રહ્યું છે. જેના કારણે લોકો આ સમસ્યાથી કાયમી નિકાલ મળે તેવા પ્રકારની માગણી પાલિકા પાસે કરી રહ્યાં છે.