– ખેડા જીલ્લામાં પાંચના મોત થતા સુરતમાં સર્ચ : ગોડાદરા, વરાછા, કાપોદ્રા, પુણા, અમરોલી વિસ્તારમાં પાનના 8 ગલ્લા પર રેઈડ સાથે પોલીસે ડિસ્ટ્રીબ્યુટરની અટકાયત કરી
– સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ અમદાવાદના વેદાર્થ એન્ટરપ્રાઈઝ ખાતેથી આવ્યું હતું : બોટલો પરીક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલાઈ
સુરત, : મેઘા આસરવ નામના આયુર્વેદિક સીરપના સેવન બાદ ખેડા જીલ્લામાં ત્રણ દિવસમાં પાંચ વ્યક્તિના મોતને પગલે સુરત શહેર પોલીસે આસરવ યુક્ત આયુર્વેદિક સીરપ વેચનારાઓ સામે ઝુંબેશ હાથ ધરી ગોડાદરા, વરાછા, કાપોદ્રા, પુણા, અમરોલી વિસ્તારમાં પાનના 8 ગલ્લા પર રેઈડ કરી 2155 બોટલ કબજે કરી ડિસ્ટ્રીબ્યુટરની અટકાયત કરી હતી.આયુર્વેદિક બીયર તરીકે પણ જાણીતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ અમદાવાદના વેદાર્થ એન્ટરપ્રાઈઝ ખાતેથી આવ્યા હોય પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી બોટલો પરીક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલી છે.તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરાશે.
ખેડા જીલ્લાના બિલોદરા, બગડુ અને વડદલા ગામમાં મેઘા આસરવ નામના આયુર્વેદિક સીરપના સેવન બાદ ખેડા જીલ્લામાં ત્રણ દિવસમાં પાંચ વ્યક્તિના મોતને પગલે પોલીસ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.પરિણામે ગત બપોરથી હરકતમાં આવેલી સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીની અલગ અલગ ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખી ગોડાદરા, વરાછા, કાપોદ્રા, પુણા, અમરોલી વિસ્તારમાં અલગ અલગ પાનના ગલ્લા અને ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપર ટ્રેપ ગોઠવી રેઈડ કરી હતી.એસઓજી અને પીસીબીએ કુલ 8 પાનના ગલ્લા પરથી આયુર્વેદિકના ઓઠા હેઠળ નશો કરવા ઉપયોગમાં લેવાતા આયુર્વેદિક બીયર તરીકે પણ જાણીતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપની રૂ.2,82,330 ની મત્તાની 2155 બોટલ કબજે કરી હતી.ખેડા જીલ્લામાં જે સીરપ પીધા બાદ મોત નીપજ્યા હતા તેનાથી અલગ બ્રાન્ડની આ સીરપમાં જોકે આસરવ હોય પોલીસે આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરી તમામ બોટલને એફ.એસ.એલ.માં પરીક્ષણ માટે મોકલી આપી હતી.
જેમની પાસેથી સીરપની બોટલો મળી હતી તે પાનના ગલ્લા અને ડિસ્ટ્રીબ્યુટર્સની પોલીસે પુછપરછ કરતા તેમણે સીરપ છૂટકમાં વેચતા હોવાનું જણાવી સીરપનો જથ્થો અમદાવાદ ગોધવી સાણંદ જયમાડી ભુવન ફર્સ્ટ ફ્લોર શોપ નં.7 સ્થિત વેદાર્થ એન્ટરપ્રાઈઝ ખાતેથી આવ્યાની કબૂલાત કરી હતી.પોલીસે ડિસ્ટ્રીબ્યુટર શ્રીરામ એજન્સીના સંચાલકની અટકાયત કરી છે.સીરપના મેન્યુફેક્ચરર આબુરોડ અને સેલવાસના હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એફ.એસ.એલ રિપોર્ટ આવ્યા બાદ તેમાં જો આલ્કોહોલની માત્રા નિર્ધારિત કરતા વધુ મળશે તો તે અંગે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ સીરપમાં થોડા સમય બાદ આલ્કોહોલ જાતે બને છે પરંતુ તેનું પ્રમાણ 12 ટકાથી ઓછું રખાય છે
સુરત, : સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અંતર્ગત ઘણા સમયથી શહેરમાં નશાકારક કફ સીરપ વેચતા મેડીકલ સ્ટોરના સંચાલકો વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરે છે.પરંતુ ખેડામાં પાંચના મોત માટે જવાબદાર મનાતું આસરવ યુક્ત આયુર્વેદિક સીરપ તેનાથી અલગ છે.આયુર્વેદિક બીયર તરીકે પણ જાણીતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપમાં મિશ્રણ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે થોડા સમય બાદ તેમાં આલ્કોહોલ તેની મેળે બને.જોકે, કાયદાકીય જોગવાઈને પગલે તેમાં આલ્કોહોલનું પ્રમાણ 12 ટકાથી ઓછું રાખવામાં આવે છે.પોલીસે જે સીરપ કબજે કર્યા છે તેના ઉપર આલ્કોહોલનું પ્રમાણ 11 ટકા દર્શાવ્યું છે.જો તેનાથી વધુ પ્રમાણમાં આલ્કોહોલ એફ.એસ.એલ પરીક્ષણમાં મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ખેડાના બનાવની જાણ થતા સુરતમાં ઘણા વેપારીઓએ સીરપ વગે કરી દીધું
ખેડાના બનાવની જાણ થતા અને પોલીસે કાર્યવાહી શરૂ કરતા સતર્ક થયેલા પાનના ગલ્લાવાળાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સે આયુર્વેદિક સીરપની બોટલોનો જથ્થો સગેવગે કરી દીધો હતો.કેટલાકે તો તેને ફેંકી દીધી હતી.