ખાનગી બસ માલિકો દ્વારા વધારાતા ભાડાના વિરોધમાં રત્નકલાકારોએ ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Updated: Oct 30th, 2023
સુરતઃ (Surat)તાજેતરમાં જ ગૃહમંત્રી દ્વારા સુરતથી વધારાની બસો દોડાવવાની જાહેરાત કરી હતી.(privet bus)દિવાળીના સમયમાં વેકેશન હોવાથી લોકો પોતાના વતનમાં જતાં હોય છે. ત્યારે તહેવારના દિવસોમાં મુસાફરોને કોઈ તકલીફ ના પડે અને શાંતિથી પોતાની મુસાફરી પૂર્ણ કરે તે માટે વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ ખાનગી બસ માલિકો (gem artist)દ્વારા આડેધડ ભાડા લઈને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાથી સુરતના રત્ન કલાકારોએ કલેક્ટરને આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે.
ભાડું ડબલ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો
ખાનગી બસ સંચાલકો દ્વારા બેફામ ભાડુ ઉઘરાવવામાં આવતું હોવાની રત્નકલાકારોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે. દિવાળીના તહેવારમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. જેમાં ખાસ કરીને રત્નકલાકારો હોય છે. હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીની સામે ઝઝૂમતા રત્નકલાકારો આર્થિક ભીંસમાં છે ત્યારે દિવાળીના તહેવારમાંજ ખાનગી બસ સંચાલકોએ ભાડું ડબલ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બસ માલિકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ
રત્ન કલાકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને બસ માલિકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાનગી બસ સંચાલકોને ભાવ વધારવા બાબતે ફરિયાદ મળશે તો કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. રત્ન કલાકારોના એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની માંગ કરીને ભાડુ મર્યાદામાં રહે તે પ્રકારે હિમાયત કરવામાં આવી છે.