સાંકડી થતી ચાલુ ખાતાની ખાધ (CAD) યુએસ ડોલર સામે રૂપિયાને મજબૂત બનાવશે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં રૂપિયો 79 પ્રતિ ડોલરના સ્તરે મજબૂત થઈ શકે છે. યુએસબી સિક્યોરિટીઝ અનુમાન કરે છે.
બ્રોકરેજ ફર્મના ઈન્ડિયા ચીફ ઈકોનોમિસ્ટ તન્વી ગુપ્તા જૈને એક નોંધમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં રૂપિયો પ્રતિ ડૉલર 79 સુધી મજબૂત થઈ શકે છે, જ્યારે 2022-23માં તે સરેરાશ 82 પ્રતિ ડૉલર હતો.
તેમણે કહ્યું કે નજીકના ગાળામાં રૂપિયો અસ્થિર રહેવાની ધારણા છે, કારણ કે વૈશ્વિક નાણાકીય સ્થિરતા પર જોખમ રહેલું છે. આ છતાં, તેમણે આશા વ્યક્ત કરી હતી કે નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં સ્થાનિક ચલણ ડોલર સામે 79ના સ્તરે પહોંચવા માટે મજબૂત બનશે.
ગુપ્તાએ કહ્યું કે નીચા CAD અને નબળા ડોલરને કારણે રૂપિયામાં ફાયદો થશે. ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 2.2 ટકા પર આવી ગઈ. યુએસબી સિક્યોરિટીઝને અપેક્ષા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં CAD ઘટીને GDPના 1.2 ટકા થઈ જશે. તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તે બે ટકા રહેવાનો અંદાજ છે.