ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં તેલના આયાતકારો અને હેજર્સ દ્વારા વધતી ખરીદી વચ્ચે મંગળવારે યુએસ ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટીને 82.02 (પ્રોવિઝનલ) થયો હતો. જોકે, સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં તેજીનું વલણ અને વિદેશી ભંડોળના સતત પ્રવાહે રૂપિયાને નીચલા સ્તરે ટેકો આપ્યો હતો.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 81.90 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન 81.87ની એક દિવસની ઊંચી અને 82.03ની નીચી સપાટીને સ્પર્શ્યા પછી, તે તેના અગાઉના બંધ કરતાં 11 પૈસા ઘટીને અંતે 82.02 પ્રતિ ડોલર પર સ્થિર થયો હતો.
પાછલા ટ્રેડિંગ સેશનમાં રૂપિયો પ્રતિ ડૉલર રૂ. 81.91 પર બંધ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે ડૉલરની મજબૂતાઈ દર્શાવે છે, તે 0.01 ટકા વધીને 102.99 પર પહોંચ્યો હતો.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.22 ટકા વધીને USD 75.56 પ્રતિ બેરલ થયું હતું. BSE નો 30 શેરવાળો સેન્સેક્સ 274 પોઈન્ટના વધારા સાથે 65,479.05 ના નવા ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા અને સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. 1,995.92 કરોડના શેર ખરીદ્યા હતા, એમ શેરબજારના ડેટા અનુસાર.