સગાસંબંધી અને મિત્ર વર્તુળની મહિલાઓ સાથે મહિલા બની ડભોલીના વેપારીની પત્નીને બિભત્સ મેસેજ કરી અપરણિત કૌશલ કાકડીયાએ વિડીયો કોલ કરતા તેનો સ્ક્રીન શોટ લઈ લેતા ઓળખ છતી થઈ હતી
કૌશલે વેપારીની પત્ની સાથે વેપારીના મિત્રની પત્નીના નામે વાત કરી હતી જયારે જે નામે વાત કરી હતી તે મહિલાને પણ મેસેજ કર્યા હતા
Updated: Dec 11th, 2023
– સગાસંબંધી અને મિત્ર વર્તુળની મહિલાઓ સાથે મહિલા બની ડભોલીના વેપારીની પત્નીને બિભત્સ મેસેજ કરી અપરણિત કૌશલ કાકડીયાએ વિડીયો કોલ કરતા તેનો સ્ક્રીન શોટ લઈ લેતા ઓળખ છતી થઈ હતી
– કૌશલે વેપારીની પત્ની સાથે વેપારીના મિત્રની પત્નીના નામે વાત કરી હતી જયારે જે નામે વાત કરી હતી તે મહિલાને પણ મેસેજ કર્યા હતા
સુરત, : સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા વેપારીની પત્નીને વેપારીના મિત્રની પત્નીના નામે તેમજ વેપારીના અન્ય મિત્રના નામે અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર બિભત્સ મેસેજ કરી વિડીયો કોલ કરતા રેતી કપચીના અપરણિત વેપારીને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રેતી કપચીનો વેપારી સગાસંબંધી અને મિત્ર વર્તુળની મહિલાઓ સાથે મહિલા બની આ કરતૂત કરતો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં ડભોલી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય વેપારીની પત્ની અંજલી ( નામ બદલ્યું છે ) ને ગત 25 નવેમ્બરના રોજ વ્હોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી હાય, હેલો તેવા મેસેજ આવ્યા હતા.અંજલીએ કોણ છે પૂછતાં તે વ્યક્તિએ પોતાની ઓળખ વેપારીના મિત્રની પત્ની સીમા ( નામ બદલ્યું છે ) તરીકે આપતા અને તેનો નંબર અંજલી પાસે નહીં હોય તેને સીમા સમજી વાત ચાલુ રાખી હતી.જોકે, સીમા તરીકે ઓળખ આપી વાત કરનારે થોડીવારમાં બિભત્સ ચેટીંગ શરૂ કરતા વેપારી અને અંજલીને શંકા ગઈ હતી.સીમા તરીકે વાત કરનારે વ્હોટ્સએપ ઓડીયો અને વિડીયો કોલ પણ કર્યા હતા.પણ અંજલીએ કોલ રિસીવ કર્યા નહોતા.
બીજા દિવસે ફરી તેણે બિભત્સ મેસેજ કરતા અંજલીએ ફરી ઓળખ પૂછી તો તેણે વેપારીના એક મિત્રનો ફોટો મોકલી પોતે તે છે તેમ જણાવ્યું હતું.જોકે, વેપારીએ તે મિત્ર સાથે ખરાઈ કરતા તે વ્યક્તિ કોઈ અન્ય હોવાની શંકા મજબૂત બની હતી.બાદમાં 27 અને 28 ના રોજ તે વ્યકિતએ છ થી સાત જુદાજુદા નંબર પરથી વિડીયો કોલ કર્યા હતા.પણ અંજલીએ રિસીવ કર્યા નહોતા.28 મી એ મોડેથી એક વિડીયો કોલ આવતા તે ઊંચકી તેમાં એક વ્યક્તિનો ચહેરો નજરે ચઢતા તેનો સ્ક્રીનશોટ લીધો ત્યારે વેપારી તેને ઓળખી ગયા હતા.તે પાંચ વર્ષ અગાઉ તેની સાથે હીરામાં કામ કરતો કૌશલ કાકડીયા હતો.ત્યાર બાદ એક સામાજીક પ્રસંગમાં વેપારી સીમા અને તેના પતિને મળ્યા ત્યારે તેમણે જાણ થઈ હતી કે સીમાને પણ એક વ્યક્તિ આવા મેસેજ કરી પરેશાન કરે છે.
આથી ગતરોજ વેપારીએ કૌશલનું સરનામું શોધી તેના ઘરે પહોંચી વાત કરતા તેણે ગલ્લાં તલ્લાં કર્યા હતા.પણ તેને સ્ક્રીનશોટ બતાવતા તે કોઈ જવાબ આપી શક્યો નહોતો.આ અંગે વેપારીએ ગતરોજ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રેતી કપચીનો વેપાર કરતા અપરણિત કૌશલ નાનજીભાઇ કાકડીયા ( ઉ.વ.43, રહે.ઘર નં.373, હરીદર્શન સોસાયટી હરીદર્શનના ખાડામાં, સિંગણપોર ગામ, સુરત. મુળ રહે.ગોરડકા, તા.ગઢડા, જી.બોટાદ ) ની ધરપકડ કરી હતી.તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે સગાસંબંધી અને મિત્ર વર્તુળની મહિલાઓ સાથે મહિલા બની અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર બિભત્સ મેસેજ કરી તેમજ ઓડિયો-વિડીયો કોલ કરી પરેશાન કરી વિકૃત આનંદ મેળવે છે.વધુ તપાસ પીએસઆઈ એ.જી.ચૌધરી કરી રહ્યા છે.