Updated: Oct 12th, 2023
– પ્રાઇવેટ નોકરી કરતી મહિલા અને પુત્રીને ઉદ્દેશીને બિભત્સ કોમેન્ટ અપલોડ કરીઃ દીકરીના મોર્ફ ફોટો પોર્ન વેબસાઇટ ઉપર અપલોડ કરવાની પણ ધમકી આપી
સુરત
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ કોમેન્ટ કરવા ઉપરાંત દીકરીને ઉઠાવી જઇ બદકામ કરવાની અને પોર્ન વેબસાઇટ પર મોર્ફ ફોટો અપલોડ કરવાની ધમકી આપનાર અજ્ઞાત વ્યક્તિ વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી ત્રણ સંતાનની માતાને છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર __pvt._17 નામના આઇડી ધારક દ્વારા બિભત્સ મેસેજ આવતા હતા. શરૂઆતમાં તેણીએ મેસેજ કરનાર કોણ કરે છે તે જાણવા માટે રિપ્લાય કર્યા હતા પરંતુ ઉપરોકત આઇડી ધારક દ્વારા વારંવાર અશ્લીલ મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી મહિલા કંટાળી ગઇ હતી અને રિપ્લાય આપવાનું બંધ કર્યુ હતું.
જો કે ત્યાર બાદ ઉપરોકત આઇડી ધારકે મહિલા અને તેની પુત્રીને ઉદ્દેશીને બિભત્સ મેસેજ કરી પુત્રીને પોતાની પાસે મોકલી આપવાની કોમેન્ટ કરી હતી. જો પુત્રીને પોતાની પાસે નહીં મોકલે તો ઉઠાવી જઇ બદકામ કરવાની અને તેઓના મોર્ફ ફોટો પોર્ન સાઇટ ઉપર અપલોડ કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટ નોકરી કરતી મહિલાને 11 વર્ષની અને 9 વર્ષની બે જોડીયા મળી ત્રણ પુત્રી છે. જેથી મહિલા કંટાળી ગઇ હતી અને છેવટે આ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.