Updated: May 10th, 2024
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વીડિયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે (10 મે)ના રોજ કેટલાક દિવસો બાદ સુરત કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને પ્રતાપ દુધાત અંગે વાત કરી હતી.
હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ : નિલેશ કુંભાણી
મીડિયા સાથે વાત કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે, ‘હું અત્યાર સુધી મારા ઘરે જ હતો. ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. અત્યાર સુધી ભાજપ સાથે સંપર્ક થયો નથી. કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. હું ભાજપની નહીં મારી ફોર્ચ્યુનર ગાડીમાં ગયો હતો. ધક્કા-મુક્કી ન થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું.’ પ્રતાપ દુધાતને નિલેશ કુંભાણીએ વળતો જવાબ આપ્યો છે. કહ્યું કે, ‘હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ.’
પહેલી 2017માં ગદ્દારી કોંગ્રેસે કરેલી : નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણીએ કહ્યું કે, ‘પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી, મારા પર ગદ્દારીનો ડાઘ ન લગાવો. બની બેઠેલા નેતાઓ કામ કરતા નથી અને કરવા દેતા નથી. કોંગ્રેસે 2017માં મારી સાથે ગદ્દારી કરી હતી. જે લોકો મને ગદ્દાર કરી રહ્યા છે, તે જ કોંગ્રેસના દુશ્મન છે. 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો.’
કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા : નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણીએ કહ્યું કે, ‘ટિકિટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા નહોતા. ડોર ટૂ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઇ સાથે આવે નહીં. અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા. પ્રતાપભાઈ મારા ભાગીદાર છે, કોંગ્રેસેના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે. મારા ટેકેદારો કોંગ્રેસના નેતાઓથી થાકી ગયા હતા, કોઇ વિધાનસભામાં સાથ આપતા ન હતા.’