Updated: Jan 1st, 2024
– પાલિકાની બસ સેવાના વડા બદલાયા પણ વિવાદ બંધ થવાનું નામ નથી લેતો
– પાલિકાના સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરોએ હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કર્યું
સુરત,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
ગુજરાત સરકારે અકસ્માત અંગેના કાયદા ની જાહેરાત કર્યા બાદ આજે સુરત પાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરોએ વીજળીયક હડતાલ પાડી દીધી હતી. સરકારના કાયદાનો વિરોધ કરવા માટે બસ સેવાના ડ્રાઇવરોએ બસના પૈડા થંભાવી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસની વિવાદી કામગીરીને કારણે તળિયાઝાટક બદલી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતને કારણે લોકોમાં અને રાજકારણીઓમાં ભારે રોષને પગલે પાલિકા કમિશનરે સીટી લિંકના વડાને બદલી નાખવા સાથે અનેક કર્મચારીઓની પણ બદલી કરી દીધી છે. સીટી લિંકમાં અનેક ફેરફાર છતાં વિવાદ અટકવાનું નામ લેતો નથી.
હાલમાં જ સરકારે અકસ્માત અંગે ડ્રાઇવરની જવાબદારી નક્કી કરતો કાયદો જાહેર કર્યો છે તેનો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. સુરત પાલિકાની સીટી લીંકની બસ દ્વારા અત્યાર સુધીમાં 90 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સીટી લિંકના ડ્રાઇવરો બેફામ બસ દોડાવી અકસ્માત કરી રહ્યા છે. આવા ડ્રાઇવરો માટે આ કાયદો યોગ્ય છે તેવું કહેવાય રહ્યું છે. પરંતુ આજે સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરોએ હડતાલ પાડીને કાયદાનો વિરોધ કર્યો છે. આ અંગે સીટી લીંકના નવા વડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.