Updated: Oct 26th, 2023
– શિક્ષણ સમિતિએ પરીક્ષાના દિવસે જ સ્પર્ધા કરનારા ભારત વિકાસ પરિષદને પત્ર લખીને સ્પર્ધા રદ્દ કરવા હુકમ કર્યો
સુરત,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પરીક્ષા સમયે જ એન.જી.ઓ.ની રંગોળી સ્પર્ધાનો અહેવાલ બાદ વિવાદ ઉભો થયો હતો અને આ વિવાદ સાથે રંગોળીની સ્પર્ધા રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ શિક્ષકોની ઘટ વચ્ચે પરીક્ષા ચાલી રહી છે. જોકે,શિક્ષણ સમિતિએ પરીક્ષાના સમયે જ એક એન.જી.ઓ.ને રંગોળી સ્પર્ધા માટે મંજૂરી આપી દીધી હતી. એક તરફ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરીક્ષાની તૈયારી કરતા હતા તો બીજી તરફ રંગોળી સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોડી દેવામાં આવ્યા હતા. સમિતિની સ્કૂલમાં શિક્ષકોની ઘટની ફરિયાદ વચ્ચે શિક્ષકોને ઈતર પ્રવૃત્તિમાં જોડવા સાથે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા સમયે જ સ્પર્ધામાં લઈ જવામાં આવતા હતા. તેમાં પણ ફાઇનલ સ્પર્ધા 6 નવેમ્બરના રોજ રાખવામાં આવી હતી. આ દિવસે શિક્ષણ સમિતિની પ્રાદેશિક ભાષાની પરીક્ષા છે. તો આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્પર્ધામાં ભાગ લેવા જશે કે પરીક્ષા આપશે તે અંગે વિવાદ ઉભો થયો હતો. પરીક્ષાના દિવસે જ સ્પર્ધા હોવાથી વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાય તેવી શક્યતા હતી.
આ વિવાદ બાદ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પરીક્ષા સમયે રંગોળી સ્પર્ધાનું આયોજન કરનાર ભારત વિકાસ પરિષદને પત્ર લખીને સ્પર્ધા રદ્દ કરવા માટેની સૂચના આપી દીધી છે. સરકારના પરિપત્ર નો ઉલ્લેખ કરીને લઘુ ભાષાની પરીક્ષા 6 નવેમ્બરે હોવાથી સ્પર્દા રદ્ કરવી તેમ જણાવ્યું છે તેના કારણે હવે સ્પર્ધા રદ્દ કરવા જણાવ્યું છે.