Updated: Oct 30th, 2023
– ઘરે હેન્ડવર્કનું કામ કરતી 40 વર્ષીય મહિલાને મંદીના સમયે કામ આપી અને તેના પતિ-દિયરને પોતાના એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી આપી વરાછાના વૃદ્ધ નજીક આવ્યા હતા
– બાદમાં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પત્નીની જેમ રાખી શરીર સંબંધ બાંધી ધંધામાં ભાગીદાર બનાવવાનું કહી રૂ.25 લાખ લીધા હતા
સુરત,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર
સુરતના કાપોદ્રા વિસ્તારની ઘરે હેન્ડવર્કનું કામ કરતી 40 વર્ષીય મહિલા છેલ્લા 13 વર્ષથી આર્થિક અને શારીરિક શોષણ કરનાર એમ્બ્રોઈડરીના વૃદ્ધ કારખાનેદારની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની અને હાલ પતિ, તરુણ પુત્ર સાથે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય છાયા (નામ બદલ્યું છે ) ઘરે હેન્ડવર્કનું કામ કરે છે. છાયાને મંદીના સમયે કામ આપી અને તેના પતિ-દિયરને પોતાના એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી આપી વરાછાના વૃદ્ધ વિનોદભાઇ બચુભાઇ કણસાગરા (ઉ.વ.60, રહે.52, બાલાજી બંગ્લોઝ, યોગીચોક, સરથાણા, સુરત. મુળ રહે.અનીડા ગામ, તા.કુકાવાવ, જી.અમરેલી) છેલ્લા 13 વર્ષથી આર્થિક અને શારીરિક શોષણ કરતા હતા. આખરે ભોગ બનેલી છાયાએ વિનોદભાઈ વિરુદ્ધ પખવાડીયા અગાઉ કાપોદ્રા પોલીસ મથકમાં દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે ગતરોજ વિનોદભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.