Updated: Jan 5th, 2024
– સુરત પાલિકાએ 2139 કરોડના મિલકત વેરાના લક્ષ્યાંક સામે 1223 કરોડની વસુલાત કરી દીધી
– અત્યાર સુધી મિલકત વેરાની વસૂલાતમાં વરાછા એ ઝોન 64.31 ટકા સાથે અગ્રેસર : 36.02 ટકા સાથે સેન્ટ્રલ ઝોન તળીયે
સુરત,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
ચાલુ નાણાકીય વર્ષના હજી ત્રણ મહિના બાકી છે ત્યારે સુરત પાલિકા દ્વારા મિલ્કત વેરા વસુલાતની કામગીરી 57.18 ટકા રિકવરી કરી દીધી છે. સુરત પાલિકાએ 2139 કરોડના મિલકત વેરાના લક્ષ્યાંક સામે 1223 કરોડની રકમ પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધી છે. હવે ત્રણ માસ બાકી છે ત્યારે બાકી મિલકતદારો સામે પાલિકા તંત્ર આક્રમક કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધી મિલકત વેરાની વસૂલાતમાં વરાછા એ ઝોન 64.31 ટકા સાથે અગ્રેસર 36.02 ટકા સાથે સેન્ટ્રલ ઝોન તળીયે જોવા મળ્યું છે.
સુરત પાલિકામાં ઓકટ્રોય નાબુદી બાદ મિલકત વેરો પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. જેના કારણે પાલિકા દ્વારા મિલકત વેરાની આવક વધે તે માટે રિવાઈઝ આકારણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ નાણાકીય વર્ષમાં પાલિકાના મિલકત વેરાનો લક્ષ્યાંક 2139 કરોડનો હતો. જેમાંથી 3 જાન્યુઆરી સુધીમાં પાલિકાએ 1223 કરોડની વસુલાત કરી દીધી છે.
વેરા વસુલાતની કામગીરી પાલિકાના વરાછા એ ઝોન દ્વારા વધુ આક્રમક કરીને ટકાવારીમાં વરાછા એ ઝોન પાલિકાના તમામ ઝોનમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. પાલિકાના વરાછા એ ઝોનમાં ૩ જાન્યુઆરી સુધીમાં રાંદેર ઝોન દ્વારા 59.57 ટકા, સેન્ટ્રલ ઝોન-એમાં 36.02 ટકા, સેન્ટ્રલ ઝોન-બીમાં 43.82 ટકા, કતારગામ ઝોનમાં 56.77 ટકા, વરાછા ઝોન-એમાં 64.31 ટકા, અઠવા ઝોનમાં 60.58 ટકા, લિંબાયત ઝોનમાં 62.39 ટકા, વરાછા ઝોન-બીમાં 59.77 ટકા, કનકપુર ઝોનમાં 48.13 ટકા રીકવરી કરવામાં આવી છે.