Updated: Jan 10th, 2024
– વિદેશી પતંગબાજોના પતંગ સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા
– સુરતમાં આજે 37 આંતરરાષ્ટ્રીય પતંગબાજો જોડાયા : પતંગોત્સવ દરમિયાન રામલલ્લાની ગીતો પર પતંગબાજો સાથે સુરતીઓ પણ ઝુમ્યા
સુરત,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
સુરતમાં આજે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ રામ જન્મભૂમિ મહોત્સવની ગુંજ સાંભળવા મળી હતી. સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામલલ્લા છવાઈ ગયા હતા. વિદેશી પતંગબાજોના પતંગ સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પતંગોત્સવ દરમિયાન રામલલ્લાની ગીતો પર પતંગબાજો સાથે સુરતીઓ પણ ઝુમ્યા હતા. સુરતમાં આજે 37 આંતરરાષ્ટ્રીય પતંગબાજો જોડાયા હતા.
સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આજે સવારે 9 વાગ્યાથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 97 પતંગબાજો જુદી જુદી થીમ અને જુદા જુદા આકારના પતંગબાજો આવ્યા હતા. વિદેશી પતંગબાજોએ પોતાના દેશના અને જુદી જુદી થીમના પતંગો આકાશમાં ઉડાવી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. પરંતુ આ વર્ષે પતંગ મહોત્સવમાં અયોધ્યા રામ મંદિરની બોલબાલા જોવા મળી હતી.
આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ૩૭, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના એક અને વડોદરાના 5 અને ભરૂચના એક મળી કુલ 97 પતંગબાજો ભાગ લીધો હતો.
સમગ્ર ભારત વર્ષમાં ભગવાન રામની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે અને આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેથી સુરતીઓમાં રામ મંદિર માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પતંગોત્સવમાં ઈન્ડિયા અને રામ મંદિરના ચિત્રવાળો પતંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત આ પતંગોત્સવ દરમિયાન રામધુન અને જયશ્રી રામના ગીતે ધુમ મચાવી હતી. આ ગીતો પર પતંગબાજો સાથે સુરતીઓ પણ ઝુમ્યા હતા.