Updated: Oct 22nd, 2023
– અમદાવાદના ડોક્ટર જુલાઇમાં ખાનગી ટ્રાવેર્લ્સની બસમાં સુરત બહેનના ઘરે આવવા નીકળ્યા ત્યારે મુસાફરના સ્વાંગમાં ગઠિયો ભેડી ગયો હતો
સુરત
અમદાવાદથી ખાનગી ટ્રાવેર્લ્સની બસમાં સુરત રહેતી બહેનને મળવા આવવા નીકળેલા વૃધ્ધ ડોક્ટરને બસમાં સહમુસાફરના સ્વાંગમાં ભેટી જનાર ગઠિયાએ કેફી પદાર્થી પીવડાવી બેભાન કરી સોના-ચાંદીની 7 વીટી, ચેઇન અને રોકડ મળી કુલ રૂ. 1.64 લાખની મત્તા ઉતરાવી રફુચક્કર થઇ ગયો હતો.
અમદાવાદના નવરંગપુરા ખાતે દર્શન હર્બલ સેન્ટર નામે હોસ્પિટલ ચલાવતા ડો. નરેન્દ્ર રામજી પટેલ (ઉ.વ. 64 રહે. સુરસાગર ટાવર, કલાસાગર મોલની બાજુમાં, ઘાટલોડીયા, અમદાવાદ અને મૂળ.વાલમ, તા. વિસનગર, મહેસાણા) ગત 4 જુલાઇના રાતે 11.45 કલાકે સુરત રહેતી બહેન જયશ્રીના ઘરે આવવા અમદાવાદના સી.ટી.એમ ખાતેથી પરાગ ટ્રાવેર્લ્સની બસમાં બેઠા હતા. બસ ઉપડયા બાદ નરેન્દ્રભાઇએ બહેન જયશ્રીને વરાછા હીરાબાગ ખાતે લેવા આવવા કોલ કર્યા બાદ તેઓ સુઇ ગયા હતા. પરંતુ સવારે જયારે જયશ્રીબેન હીરાબાગ ખાતે લેવા ગયા ત્યારે ડો. નરેન્દ્ર પરાગ ટ્રાવેર્લ્સની ઓફિસના ઓટલા ઉપર બેભાન હાલતમાં હતા. જેથી તુરંત જ તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન ભાનમાં આવ્યા ત્યારે તેમણે હાથની આંગળીમાં પહેરેલી સોનાની છ વીંટી અને ચાંદીની એક વીટી, સોનાની ચેઇન અને ખિસ્સામાંથી રોકડા રૂ. 1500 મળી કુલ રૂ. 1.64 લાખની મત્તા ગાયબ હતી. જેથી સી.ટી.એમ ખાતેથી બસ ઉપડી ત્યારે પોતાની સાથે સોફા ઉપર સહમુસાફર તરીકે સવાર અજાણ્યા યુવાને કેફી પીણું પીવડાવી બેભાન કરી દાગીના અને રોકડ તફડાવી રફુચક્કર થઇ ગયો હોવાની શંકા વ્યક્ત કરતી ફરીયાદ નોંધાવી હતી.