હોસ્પિટલાઇઝેશન દરમિયાન વીમાદારનું મોબાઇલ લોકેશન હોસ્પિટલ સિવાય અન્ય જગ્યાએ હોવાનું જણાવી ક્લેઇમ નકાર્યો હતો
Updated: Dec 18th, 2023
સુરત
હોસ્પિટલાઇઝેશન દરમિયાન વીમાદારનું મોબાઇલ લોકેશન હોસ્પિટલ
સિવાય અન્ય જગ્યાએ હોવાનું જણાવી ક્લેઇમ નકાર્યો હતો
વીમા
કંપની દ્વારા વીમાદારનો ગુગલ ટાઈમલાઈનનો મનગમતો અને પોતાને ફાયદો થાય તેવો અર્થ
કરવાની પ્રવૃત્તિની ગંભીર નોંધ લઈ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ
જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત રૃ.2.35 લાખ તથા શારીરિક-માનસિક ત્રાસ બદલ રૃ.12 હજાર અને
અરજી ખર્ચ બદલ રૃ.8 હજાર 30 દિવસમાં
ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
કતારગામ
ડભોલી રોડ ખાતે બાલાજીનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી અરવિંદ આનંદ વરીયા યુનિવર્સલ
સોમ્પો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીની રૃ.4લાખના સમએસ્યોર્ડની મેડી ક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે અમલમાં હોવા દરમિયાન
તા.8-11-21ના રોજ ફરિયાદી ને અકસ્માત નડતાં ડાબા હાથની
પાંસળીના હાડકા,મણકામાં ઈજા સહિત મલ્ટીપલ ફ્રેકચર થયા
હતા.જેથી ફરિયાદીએ ખાનગી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈને નિદાન સારવાર
કરાવતા કુલ રૃ2.75 લાખનો ખર્ચ થયો હતો.જે અંગે વીમાદારે વીમા
કંપની સમક્ષ ક્લેઈમ વસુલ અપાવવા માંગ કરી હતી.પરંતુ વીમા કંપનીએ ફરિયાદીનું
મોબાઈલની ગુગલ ટાઈમલાઈન મુજબ હોસ્પિટાલાઈઝેશનના સમયગાળા દરમિયાન મોબાઈલનું લોકેશન
હોસ્પિટલની સિવાય અન્ય જગ્યાનું તથા બીલની અમુક રકમ હજુ ચુકવવાની બાકી હોવાનું
જણાવી ક્લેઈમ નકાર્યો હતો.
જેથી
વીમા કંપની ગ્રાહક સેવામાં ખામી બદલ વીમાદાર અરવિંદ વરીયાએ નરેશ નાવડીયા મારફતે
ગ્રાહક કોર્ટમાં ધા નાખી ક્લેઈમ વ્યાજ સહિત વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી
દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે ફરીયાદીનું નિવેદન વીમા કંપનીના
ઈન્વેસ્ટીગેટરે લીધું ત્યારે તેનો શું ઉપયોગ કરાશે તે અંગે વીમાદારને સમજણ આપી
નથી.વીમાદારને છેતરામણો સવાલ કરીને પોતાના ફાયદાના હિતમાં અર્થઘટન કરવાનું કૃત્ય
વ્યાજબી નથી.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખીને વીમાદારનો ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર
વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બદલ ક્લેઈમની રકમ વ્યાજ સહિત ચુકવવા હુકમ કર્યો
છે.ગ્રાહક કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી અને તબીબ વચ્ચે અમુક રકમની ચુકવણું
બાકી હોવાની બાબત બંનેની અંગત ગણાય જેની સાથે
વીમાકંપનીને કોઈ લેવા દેવા નથી.વીમા કંપની પોતાના ગ્રાહકની ગુગલ ટાઈમલાઈનનો
મનગમતો અને પોતાનો ફાયદો થાય તેવો એર્થ
કરવાની પ્રવૃત્તિ સામે ગ્રાહક કોર્ટે ગંભીર વાંધો લીધો છે.