મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મરાઠી ફિલ્મો, સિરિયલો, ઓટીટી જેવા વિવિધ કાર્યક્રમોના વિકાસ માટે ઓનલાઈન પોર્ટલ ફિલ્મ બઝાર બનાવવાનો નિર્ણય લીધો છે ત્યારે આ પોર્ટલ ૨૪/૭ અને ૩૬૫ દિવસ ચાલુ રહેશે. આ પોર્ટલને વિકસાવવા માટે ફિલ્મ ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિ ગઠિત કરવામાં આવી છે અને તેમાં એકમાત્ર ગુજરાતી નિર્માતા કેતન મારુને સ્થાન આપવામાં આવ્યું છે.
રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે મુંબઈ સમાચારને ગુરુવારે જણાવ્યું હતું કે ફિલ્મ બાઝાર પોર્ટલ તૈયાર કરવા માટે જે સમિતિ ગઠિત કરવામાં આવી છે તેના અધ્યક્ષ તરીકે દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીના મેનેજિંગ ડિરેક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા-નિર્માતા સ્વપ્નીલ જોશી, સંદીપ ઘુગે, સંજય જાધવ અને મહેશ કોઠારે આ સમિતિના અન્ય સભ્યો છે.
મહારાષ્ટ્ર સરકારની અત્યંત મહત્ત્વની સમિતિ પર નિયુક્તિ કરવામાં આવી તે અંગે બોલતાં કેતન મારુએ કહ્યું હતું કે ‘ફિલ્મ બઝાર પોર્ટલના વિકાસ માટેની સમિતિ પર મારી પસંદગી કરવા બદલ હું મહારાષ્ટ્ર સરકાર અને સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારનો આભારી છું. હું મારા વર્ષોના નિર્માતા તરીકેના અનુભવનું આદાન પ્રધાન કરીશ અને મારા અનુભવનો લાભ આપીને બધી રીતે મદદરૂપ થઈશ.’
મરાઠી ફિલ્મો, દૂરદર્શન પરની વિવિધ સિરિયલો, કાર્યક્રમો તેમ જ ઓટીટી પરની મરાઠી ફિલ્મો અને સિરિયલોના નિર્માણ માટે પટકથા, લેખક, નિર્માતા, દિગ્દર્શક, કલાકાર, ટેક્નિશિયન અને આર્થિક પુરવઠાદારને એક જ મંચ પર લાવીને તેમનો એકબીજા સાથે સમન્વય કરાવવો, તેમને નિયમિત રીતે સલાહ આપવી વગેરે કામ આ સમિતિ કરશે.
મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાની, અન્ય મહત્ત્વના સમાજસુધારકો, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રની સન્માનનીય વ્યક્તિઓના જીવન પર આધારિત ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે અને તેને માટે આવશ્યક મદદ સરકાર કરશે એમ પણ મુનગંટીવારે કહ્યું હતું.