કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા શિવસેના પક્ષનું નામ અને ચિહ્ન બંને શિંદે જૂથને આપી દેવામાં આવ્યા બાગ ફરી એક વખત બંને જૂથ આમને સામને આવી ગયા છે. ચૂંટણી પંચના આ નિર્ણયના વિરોધમાં ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દોટ મૂકી છે અને આ ચુકાદાને પડકાર્યો છે. બીજી બાજું કસબા અને ચિંચવડ પેટા ચૂંટણીને કારણે ઠાકરે અને શિંદે જૂથ ફરી એક વખત આમને સામને આવી ગયા છે. બંને જૂથ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે અને આ બધા વચ્ચે ઠાકરે જૂથના સુભાષ દેસાઈએ સીએમ એકનાથ શિંદે લઈને વિવાદાસ્પદ નિવેદન કરતાં ચોંકાવનારું નિવેદન કર્યું છે.
સુભાષ દેસાઈએ જણાવ્યું છે કે ધનુષ્યબાણ રામના હાથમાં શોભે, રાવણના હાથમાં નહીં. તમે જો ધનુષ્યબાણ લઈને આવશો તો અમે મશાલથી તમને ભગાવી દેશું અને તમારી દાઢીને પણ બાળી નાખશું. સુભાષ દેસાઈએ કુડાળ ખાતે આયોજિત કરાયેલા એક શિવગર્જના સમારોહમાં આવું નિવેદન આપ્યું હતું.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગઈ કાલે જ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બાબતે વાત કરતાં દેસાઈએ જણાવ્યું હતું કે નવા સમીકરણો આખા દેશમાં બની રહ્યા છે. બિન ભાજપા રાજ્યના મુખ્ય પ્રધાન અને બધા પક્ષો એક જૂટ થઈ રહ્યા છે. ઇંદિરા ગાંધીના સમયમાં જેવું થયું હતું એ જ રીતે દેશ એક જૂટ થઈને હુકમશાહીની દિશામાં આગળ વધી રહેલાં દેશને રોકશે.