Updated: Sep 20th, 2023
– અડાજણ કવિ કલાપી લેક ગાર્ડનમાં માછલી ક્યાંથી આવી અને મરી કઈ રીતે ગઈ તે તપાસનો વિષય : પાણીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાશે
સુરત,તા. 20 સપ્ટેમ્બર 2023,બુધવાર
સુરત પાલિકાના અડાજણ ખાતે આવેલા કવિ કલાપી ગાર્ડનમાં હજારો માછલી મરેલી મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું છે. પાલિકાના રાંદેર ઝોને મરેલી માછલી તળાવમાંથી કાઢી તળાવની સફાઈની કામગીરી શરૂ કરી છે. તો બીજી તરફ આ લેક ગાર્ડનમાં માછલી ક્યાંથી આવી અને મરી કઈ રીતે ગઈ તે તપાસનો વિષય બની ગયો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ગામ ખાતે આવેલા કવિ કલાપી લેક ગાર્ડનમાં ગઈકાલે હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે અને તળાવનું પાણી વાસ મારી રહ્યું છે. તેવા પ્રકારની ફરિયાદ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. આજે સવારે પાલિકાના રાંદેર ઝોને તળાવમાં મરેલી માછલીઓ બહાર કાઢીને સફાઈની કામગીરી શરૂ કરી છે. તો બીજી તરફ પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તળાવના પાણીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની કવાયત શરૂ કરી છે. લેબમાં પાણીના સેમ્પલની ચકાસણી થયા બાદ માછલીઓના મોતના કારણો જાણી શકાશે.
આ તળાવમાં પાલિકાએ માછલી નાખી નથી તો આટલી મોટી માત્રામાં માછલી ક્યાંથી આવી ગઈ અને આટલી સંખ્યામાં માછલીઓના મોત કઈ રીતે થયાં તે તપાસનો વિષય બની ગયો છે.