– બાબરી ધ્વંશ કરનારા કાર સેવકો રામ મંદિર નિર્માણ માટે પણ નિમિત બન્યા હતા
– બાબરી ધ્વંસ માં સુરત અને ઓલપાડના કારસેવકોની ભુમિકા હતી તો તાત્કાલિક નાનકડા મંદિરના નિર્માણ માટે ઓલપાડ- સુરત અને બારડોલી તથા મહુવાના કારસેવકોએ ઈંટો-સિમેન્ટ અને તગારા પાવડા વડે પોતાની આહુતિ આપી હતી
સુરત,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ધુમ ચારેય તરફ જોવા મળી રહી છે. પરંતુ રામ મંદિરના નિર્માણ પહેલા હજારો કાર સેવકોએ આપેલા બલિદાન મહત્વનું છે.સુરત અને ઓલપાડના અનેક કારસેવકો એવા છે જેઓ બાબરી ધ્વંશ માટે નિમિત બન્યા હતા તે જ કારસેવકો બાબરી ધ્વંસ બાદના છોટા મંદિરના નિર્માણ માટે સુરત- ઓલપાડ અને બારડોલી તથા મહુવાના કાર સેવકોની ભૂમિકા પણ મહત્વની હતી.
આગામી સોમવારે ઓલપાડ અને સુરત સહિત સમગ્ર દેશ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉતાવળો બન્યો છે. દેશવાસીઓ રામોત્સવ માટે તૈયારી કરી રહ્યાં છે. હાલ જે મંદિરનું નિર્માણ થયું છે તે પહેલાં બાબરી ધ્વંશના ગણતરીના કલાકોમાં છોટા મંદિર બનાવી તેમાં રામલલ્લાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
1992માં ઓલપાડ થી અયોધ્યા કારસેવા માટે ગયેલા રાજુ ટેલર જૂની યાદો વાગોળતા કહે છે, મારા પિતા હસમુખભાઈ 1990માં કાર સેવામાં ગયેલા હતા અને ત્યાર બાદ 1992 અને 2002માં હું અયોધ્યા કાર સેવા માટે ગયો હતો. 1992ની યાદ તાજી કરતા રાજુ ટેલર કહે છે, આ દિવસે અયોધ્યામાં રામ ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો. બધાના દિલમાં બાબરી ધ્વંશ કરીને ગુલામીનું પ્રતિક દૂર કરી રામ ભગવાનનો જન્મ થયો હતો ત્યાં મંદિર બનાવવા માટેનું ઝનુન હતું. બસ આ ઝનુન અને રામ ભક્તોની મહેનતના કારણે વર્ષો જુનું કલંક દૂર કરી શક્યા હતા.
બાબરી ધ્વંસ બાદ અંધાધુંધી નો માહોલ હતો તે સમયે મોબાઈલ કે કેમેરા સાથે લઈ જવા શક્ય ન હતા તેથી ફોટા નથી પરંતુ એક એક સમયની તસ્વીર અમારા દિલમાં હજી પણ તાજી છે. બાબરી ધ્વંસ બાદ કારસેવકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો કંઈ સમજે તે પહેલાં તો રામ જન્મભૂમિ સ્થળની આસપાસ હજારો કારસેવકો આવી ગયા હતા. બન્ને તરફ માનવ સાંકળ કરી દેવામાં આવી હતી જેમાં અમે વચ્ચે હતા. મારી સાથે બારડોલીના નાનક સિંધી, મહુવાના લક્ષ્મણ વાંકલે અને વાંઝ વકતાણાના રાજુ મૈસુરીયા જેવા સુરત જિલ્લાના કારસેવકો હતા.
અમે અનાયસે રામલલ્લા ની પ્રતિમા હતી ત્યાં હતા અને આસપાસથી થોડી વારમાં ઈંટ, સિમેન્ટ આવવા લાગી અને પાવડા તગારા પણ આવી ગયા હતા. રામ ભગવાન માટે છોટા મંદિરના નિર્માણ માટે અમે ભાગીદાર બની ગયા અને તેની સાથે અમારો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો. જોત જોતામાં ગણતરીના કલાકમાં છોટા મંદિરનું નિર્માણ થઈ ગયું હતું. આજે આ જગ્યાએ વિશાળ રામ મદિર બની રહ્યું છે અને આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે અમારા માટે આ ક્ષણ ઘણી આનંદ અને ગૌરવ લેવાની વાત છે. આગામી દિવસોમાં હું આ મંદિરે રામલલ્લા ના દર્શન કરવા અચૂક જઈશ.
ઓલપાડના કરમલાના કાર સેવક ઘનશ્યામ પટેલ કહે છે, 1992માં હું કાર સેવક તરીકે ગયેલો હતો. ત્યાર બાદ અયોધ્યા ગયો ન હતો રામ મંદિર બને ત્યારે જ દર્શન કરીશ તેવો નિર્ણય કર્યો હતો. જોકે, અમને વિશ્વાસ હતો કે મોડા મોડા પણ ભગવાન રામ લલ્લાનું મંદિર બનશે અને ભવ્ય બનશે મારા સહિત અનેક કારસેવકો એવા છે જેઓનું સપનું ભવ્ય મંદિરનું હતું તે આજે પુરુ થઈ રહ્યું છે. વર્ષોથી તંબુમાં છોટા મંદિરમાં જે રામ લલ્લા ની પુજા થતી હતી હવે રામ લલ્લાને ભવ્ય મંદિરમાં પૂજા કરવામાં આવશે તે મારા માટે ગૌરવની વાત છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેથી સાથે હું 19 જાન્યુઆરીના રોજ મારી પત્ની સાથે અયોધ્યા જઈ રહ્યો છું અને દર્શન કરીને જ પાછો આવીશ તેમ તેઓએ જણાવ્યું હતું.
આમ બાબરી ધ્વંસ માટે જે કારસેવકો અયોધ્યા ગયા હતા તે જ કારસેવકો હવે ભવ્ય રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા જવા માટે થનગની રહ્યા છે. જોકે, સંખ્યાબંધ કારસેવકો અયોધ્યા જવા માટે તૈયાર છે પરંતુ કાર સેવકો માટે કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાથી કારસેવકો અયોધ્યા જતાં ખચકાઈ રહ્યાં છે. તેમ છતાં પણ કેટલાક કારસેવકો એવા છે જેઓ 1990-1992માં કાર સેવા આવ્યા હતા તેઓ હાલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દર્શન માટે કરવા અયોધ્યા પહોંચ્યા છે.