Updated: Jan 8th, 2024
– પિતા-પુત્ર અને સગા ભત્રીજાને ઉમરા ગામના તિલક સર્કલ પાસે પકાડયાઃ અઠવાલાઇન્સ, રાંદેર અને મહિધરપુરા સહિત કુલ પાંચ ગુનાના ભેદ ઉકેલાયા
– પિતા અગાઉ અમદાવાદમાં જયારે પુત્ર મહારાષ્ટ્રના ચાર પોલીસ સ્ટેશનમાં પકડાય ચુકયો છે, રોકડા રૂ. 1.04 લાખ અને મોબાઇલ મળી રૂ. 1.46 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
સુરત
સુરતના અઠવાલાઇન્સ-પાર્લેપોઇન્ટ, મહિધરપુરા-દિલ્લી ગેટ અને રાંદેર વિસ્તારની બેંકમાં ખાતેદારો સાથે યેનકેન પ્રકારે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યા બાદ રોકડ જમા કરાવવામાં તથા ઉપાડવામાં મદદ કરવના બહાને રોકડ તફડાવતી કુખ્યાત ઇરાની ગેંગના પિતા-પુત્ર અને સગા ભત્રીજાને ઉમરા પોલીસે ઝડપી પાડી સુરત શહેરના ત્રણ સહિત પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ઉમરા પોલીસ સ્ટેશનના હે.કો અમીત ભુપત અને પો. કો કિશન વાલજીએ ટેક્નિકલ સર્વેલન્સના આધારે હાથ ધરેલી તપાસ અંતર્ગત પીએસઆઇ એ.એન. ચૌહાણ અને તેમની ટીમે ઉમરા ગામના તિલક સર્કલ પાસેથી ઇરાની ગેંગના જાવેદ હુસેન સરવન હુસેન ઇરાની (ઉ.વ. 50) અને તેનો પુત્ર અબુતારબ જાવેદ હુસેન ઇરાની (ઉ.વ. 32) અને સગા ભત્રીજા આવેદ ફિરોઝ ઇરાની (ઉ.વ. 40 ત્રણેય રહે. ગલી નંબર 6, ઇરાની નગર, ઇન્દિરાનગરની બાજુમાં, અટાલી, આંબીવલી-વેસ્ટ, થાણે, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 1.04 લાખ અને 4 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.46 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે શહેરના મહિધરપુરા વિસ્તારની અમિષા હોટલની બાજુમાં એસબીઆઇ બેંકમાં રૂ. 50 હજાર જમા કરાવવા જનાર ગૃહિણીને નવા નિયમ મુજબ સ્લીપમાં તમામ નોટના નોટના નંબર લખવા જરૂરી છે એમ કહી 500 ના દરની 100 પૈકી 39 નોટ તફડાવી હતી. ઉપરાંત પાંચેક દિવસ અગાઉ અઠવાલાઇન્સની બેંક ઓફ બરોડામાં રોકડ ઉપાડવા જનાર ખેડૂતને બંડલમાં નોટ ફાટેલી છે તે ચેક કરવાના બહાને રૂ. 15,500 તફડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પિતા-પુત્ર અને ભત્રીજાની ટોળકીએ આ રીતે બેંકમાં રોકડ ઉપાડવા કે જમા કરાવવા આવનાર ખાતેદારોને યેનકેન પ્રકારે વાતચીત કરી વિશ્વાસમાં લઇ હાથની ચાલાકીથી શહેરના રાંદેર વિસ્તાર ઉપરાંત મહેસાણા અને પાનલપુરની બેંકમાં કરતબ અજમાવ્યાની કબૂલાત કરી છે. જયારે જાવેદ અગાઉ અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન અને તેનો પુત્ર અબુતારબ મહારાષ્ટ્રના અંધેરી, માર્ટુંગા, વિનોબાભાવે અને ભોયવાડા પોલીસ સ્ટેશનમાં પકડાય ચુકયો છે.