માતાજીની ચૂંદડી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહી રખીયાલમાં રીષભ ટ્રેડીગના મહેશ ગજેરા, લાલજી ગજેરા અને વિશાલ મિયાણીએ એમ્બ્રોઇડરી જોબવર્ક માટે માલ મંગાવી રૂ.2.50 લાખ જ ચૂકવ્યા હતા
યુવાનને શંકા જતા રીષભ ટ્રેડીગની ઓફિસ અને ઓઢવના ખાતા પર જઈ તપાસ કરી તો ત્રણેયે તે બંધ કરી ઉઠમણું કર્યાની જાણ થઈ હતી
Updated: Oct 10th, 2023
– માતાજીની ચૂંદડી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહી રખીયાલમાં રીષભ ટ્રેડીગના મહેશ ગજેરા, લાલજી ગજેરા અને વિશાલ મિયાણીએ એમ્બ્રોઇડરી જોબવર્ક માટે માલ મંગાવી રૂ.2.50 લાખ જ ચૂકવ્યા હતા
– યુવાનને શંકા જતા રીષભ ટ્રેડીગની ઓફિસ અને ઓઢવના ખાતા પર જઈ તપાસ કરી તો ત્રણેયે તે બંધ કરી ઉઠમણું કર્યાની જાણ થઈ હતી
સુરત, : સુરતના વરાછા રોડ ખાતે એમ્બ્રોઈડરી જોબવર્કનું ખાતું ધરાવતા સરથાણાના યુવાન પાસેથી માતાજીની ચૂંદડી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહી કાપડ મંગાવી અમદાવાદ રખીયાલ ખાતે ઓફિસ અને ઓઢવ ખાતે ખાતું ધરાવતા ત્રણ વેપારી બાકી રૂ.66.84 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ જતા વરાછા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ઉમરાળાના કેરીયા ગામના વતની અને સુરતમાં સરથાણા સીમાડા નાકા મીરા એવન્યુમાં રહેતા 40 વર્ષીય ઉમેશભાઇ તળશીભાઇ ખુંટ વરાછા રોડ વર્ષા સોસાયટી પાસે શિવાપાર્ક સોસાયટી વિભાગ 2 ખાતા નં.20,21 ચોથા માળે ગોપાલ ફેશનના નામે એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે.તેમના ફ્લેટની ઉપર રહેતા કાપડ દલાલ દિનેશભાઇ કેવડીયા ગત એપ્રિલ માસમાં તેમના પરિચિત વેપારી મહેશભાઈ પટેલ ( ગજેરા ) અને વિશાલ પ્રાગજીભાઇ મીયાણી ( રહે. ડી/302, શીવપુજન ડુપ્લેક્ષ, ચાંદખેડા, જનતા નગર રોડ, અમદાવાદ ) ને તેમની ઓફિસે લાવ્યા હતા.અમદાવાદ રખીયાલ અજીત મિલ ચાર રસ્તા સુમેલ બિઝનેસ પાર્ક સફલ 8 માં રીષભ ટ્રેડીંગના નામે કાપડનો વેપાર કરતા બંનેએ અમને માતાજીની ચૂંદડી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહી કાપડ મોકલવા કહ્યું હતું.
ઉમેશભાઈ અમદાવાદ જતા તેઓ તેમને પોતાની ઓફિસે અને ઓઢવ એસ.પી.રીંગરોડ બાર્સોલોના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત ખાતા પર લઈ ગયા હતા.આથી ઉમેશભાઈએ તેમને 22 મે થી 29 જુલાઈ દરમિયાન કુલ રૂ.69,44,212 ની મત્તાનું કાપડ તેમને મોકલ્યું હતું.તે પૈકી તેમણે માત્ર રૂ.2.50 લાખ ચૂકવ્યા હતા.તેમણે આપેલા રૂ.4 લાખના ચેક રીર્ટન થતા અને મહેશભાઈનો મોબાઈલ ફોન લાગતો ન હોય વ્હોટ્સએપ મેસેજ કરતા તેમણે બાંગ્લાદેશ છું આવીને પેમેન્ટ કરીશ તેમ કહેતા ઉમેશભાઈને શંકા ગઈ હતી.આથી તેમણે રીષભ ટ્રેડીગની ઓફિસ અને ઓઢવના ખાતા પર જઈ તપાસ કરી તો તે બંધ કરી મહેશ, વિશાલ અને તેમનો ભાગીદાર લાલજીભાઇ પ્રવિણભાઇ ગજેરા ઉઠમણું કરી ફરાર થઈ ગયા હોવાની જાણ થઈ હતી.બાકી રૂ.66.84 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરારત્રણેય વિરુદ્ધ ઉમેશભાઈએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.