સુરતના સચિન વિસ્તારની કમકમાટીભરી ઘટના
બે બાળકો ટ્રેનના અડફેટે આવતા મોત નીપજ્યા
Updated: Dec 18th, 2023
Surat Train Accident: સુરતથી ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રવિવારે એક જ ક્લાસમાં ભણતા ધોરણ 8ના બે વિદ્યાર્થીઓના મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીઓના ટ્રેનની અડફેટે મોત થયાની આશંકા છે.
બે બાળકોના ટ્રેનની અડફેટે મોતની આશંકા
એવું માનવામાં આવી રહ્યું છે કે, સુરતના સચિન વિસ્તારમાં બે માસૂમ બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. જ્યાં ટ્રેનની અડફેટે આવતા તેના મોત નીપજ્યા હતા. અચાનક ટ્રેક પર ટ્રેન આવતા પ્રિન્સ શર્મા અને લોકેશ યાદવનું મોત થયું હતું.
બંને બાળકોને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતીઃ પોલીસ
ગઈ કાલે સાંજે 4 વાગ્યા આસપાસ પ્રિન્સ અને તેનો મિત્ર લોકેશ અચાનક ગુમ થઈ ગયા હતા. તેના વાલીઓ દ્વારા શોધખોળ કરવા છતા બંનેનો પત્તો મળ્યો ન હતો. બાદમાં પરિવાર દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. લગભગ 7 કલાક બાદ માહિતી મળી કે, બંને બાળકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં છે અને ટ્રેનની અડફેટે આવતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. લોકેશના પિતા સંતોષ યાદવે જણાવ્યું કે, પોલીસ કહે છે બંને મિત્રો ટ્રેનની અડફેટે આવ્યા બાદ તેમના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
માહિતી અનુસાર, મૃતક લોકેશનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે અને મૃતક પ્રિન્સનો પરિવાર બિહારનો વતની છે. બંને બાળકો ધોરણ આઠમાં ભણતા હતા. માસૂમ બાળકોના કરૂણ મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. પ્રિન્સના પિતા દુબઈમાં કામ કરે છે, જ્યારે લોકેશ યાદવના પિતા લુમ્સ કારીગર છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમાં માટે મોકલવામાં આવ્યા છે. જોકે, રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતનું કારણ બહાર આવશે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.