Updated: Jan 15th, 2024
Image Source: Wikipedia
સુરતીઓની ઉતરાયણ ઉંધીયુ અને ઉબડીયા વિના અધુરી
સુરતમાં 250 રૂપિયાથી 500 રૂપિયા સુધી કિલો ઉંધીયાનું વેચાણ – હાઈવે પર વેચાતા ઉબાડીયા પણ સુરતમાં વેચાયા
સુરત, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર
ખાણી પીણીના શોખીન સુરતીઓની ઉતરાયણ ખાણીપીણી વિના અધૂરી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાયણના દિવસે ઊંધિયા પાર્ટીનો ટ્રેન્ડ બરોબરનો જામ્યો છે. તેની સાથે સાથે હવે ઉતરાયણમાં સુરતમાં ઊંધિયા સાથે ઉબાડિયાનો શરુ થયો નવો ટ્રેન્ડ પણ શરુ થયો છે. આમ તો વલસાડ હાઈવે પર ઉબાડીયું મળે છે પરંતુ હવે ડિમાન્ડ વધતા સુરત નજીક પણ ઉબાડીયું મળતું થયું છે. તો કેટલાક લોકો હાઇવે પરના ઉબાડીયા સેન્ટર પરથી ઉબાડીયા લાવીને પણ પાર્ટી કરી હતી.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ના દિવસે સુરતીઓ પતંગ ચગાવવા સાથે સાથે ખાણી પીણીની જયાફત કરી હતી જેના કારણે આ દિવસોમાં કરોડો રૂપિયાનું ઉંધીયું સુરતીઓ ઝાપટી ગયા હતા. આ દિવસોમાં ઉંધીયાનું વેચાણ ધુમ થતું હોય 365 દિવસ ઉંધીયું બનાવવા ફરસાણના વેપારીઓ સાથે હવે કેટરિંગનું કામ કરતાં અને રસોઈયાઓ પણ ઉતરાયણના દિવસે ઉંધીયા- જલેબી ના ધંધામાં હાથ અજમાવી રહ્યા છે.
સુરતમાં પાંચ પેઢીથી ચૌટા બજારમાં ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા ભજીયાવાલા પરિવાર વર્ષના 365 દિવસ ઊંધિયું બનાવી વેચાણ કરતાં કૃણાલ ઠાકર કહે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ત્યાં પ્યોર સુરતી રેસીપી માં ઉંધીયું બનાવવામાં આવ્યું હતું. અમારે ત્યાં ઉંધીયામાં પાપડી, રતાળુ સાથે સાથે મેથીની ભાજી ના મુઠીયા પણ ખાસ રીતે બનાવવામાં આવે છે. અમારે ત્યાંથી આ દિવસે માત્ર સુરતમાં જ નહી પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ ઉંધીયાના ઓર્ડર આવ્યા હતા.
લગ્ન સિઝનમાં રસોઈ નું કામ કરતા મોરાભાગળ જશવંત ત્રિવેદી કહે છે, રસોઈ બનાવવાનો વ્યવસાય અમારા બાપદાદાનો વ્યવસાય છે. અમે સિઝનમાં ભોજન બનાવે છીએ પરંતુ અમારા ફિક્સ ગ્રાહકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાયણમાં ખાસ ઉંધીયાની ડિમાન્ડ કરે છે તેથી અમે ઉંધીયું બનાવીને વેચાણ કરીએ છીએ. તો કેટલાક એવા ગ્રુપ પણ છે કે તેઓ 30થી 50 લોકોના છે અને તેઓ ઉંધીયું અને પુરી સાથે સાથે દાળ ભાત કે અન્ય વાનગીનો ઓર્ડર આપીને બનાવે છે તેથી આ દિવસોમાં ઉંધીયા સાથે સાથે આવી ડિશ પણ ઓર્ડર આવ્યા હતા.
રેસ્ટોરન્ટ, રસોઈયા અને કેટરર્સ વાળા સાથે સાથે ઘરે રસોઈ બનાવતા લોકો પણ હવે ઉતરાયણમાં ઉધિયાના ઓર્ડર લઈને વેચાણ કરી રહ્યા છે. સુરતમાં અનેક દુકાનો સ્ટોલ અને ઘર સાથે ઓનલાઇન પણ ઉંધીયાનુ વેચાણ કરવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે પણ વાસી ઉતરાયણના દિવસે પણ ઉંધીયાનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં ભાવ પણ જુદા જુદા જોવા મળી રહ્યાં છે. સુરતના ફૂડ બજારમાં ઉંધીયાનો ભાવ 250 રૂપિયા કિલોથી માંડીને 500 રુપિયે કિલો ઉંધીયુ મળી રહ્યું છે. દરેક પોતાના ટેસ્ટ પ્રમાણે ઊંધીયાની ખરીદી કરે છે સુરતીઓ આવી રીતે ઉતરાયણ ઉજવતા હોવાથી પતંગ અને દોરી નું વેચાણ કરનારા સાથે સાથે ખાણી પીણી નું વેચાણ કરનારાઓને તડાકો થઈ ગયો હતો.