Updated: Jan 15th, 2024
– આ વર્ષે ફિલ્મી ગીતો સાથે રામ ગીતોએ ધાબા પર ધૂમ મચાવી
– સુરતીઓએ જય શ્રી રામ લખેલા પતંગ ચગાવ્યા : આ વર્ષે ફિલ્મી ગીતો કરતાં પણ વધુ ભારત કા બચ્ચા બચ્ચા અને રામ આયેંગે ગીતો ધાબા પર સૌથી વધુ વાગ્યા, સાંજે હનુમાન ચાલીસા વાગતાં ઉતરાયણ ધાર્મિક તહેવાર બની ગયો
સુરત,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર
સુરત શહેરમાં દર વર્ષે ઉતરાયણની ઉજવણી વખતે ધાબા પર વાગતા ગીતમાં ફિલ્મ સોંગ ની બોલબાલા હોય છે. પરંતુ આ વર્ષે સુરતની ઉતરાયણ મજા મસ્તીના તહેવાર સાથે રામ મય તહેવાર બની ગયો હતો. સુરતના ઉતરાયણ ની ઉજવણીમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છવાયેલો જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ જય શ્રી રામ લખેલા અને રામ મંદિરનું ચિત્ર હોય તેવા પતંગ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. એટલું જ નહી પરંતુ આ વર્ષે ફિલ્મી ગીતો કરતાં પણ વધુ રામના ગીતો પર સુરતીઓ ઝૂમતા જોવા મળ્યા હતા.
સુરતીઓ માટે ઉતરાયણ એટલે મોજ મજા મસ્તીનો તહેવાર હોય છે સુરતની રહેણાંક સોસાયટીઓમાં ધાબા દર વર્ષે ફિલ્મી ગીતોની બોલબાલા જોવા મળે છે. વર્ષ દરમિયાન હીટ થયેલા ફિલ્મી ગીતોની ધૂમ સાંભળવા મળે છે. વર્ષ દરમિયાન હીટ થયેલા ફિલ્મી ગીતો મુકીને સુરતીઓ પતંગ ચગાવતા હોય છે. જોકે, આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામા રામ મંદિર ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે તેની સીધી અસર સુરતના ઉતરાયણના તહેવાર પર જોવા મળી હતી. ભગવાન શ્રી રામ સુરતીઓની ઉતરાયણ પર પણ છવાયા હતા.
આ વર્ષે ફિલ્મી ગીતો કરતાં પણ વધુ સોગ ભારત કા બચ્ચા બચ્ચા….. જય શ્રી રામ બોલેગા અને મેરી ઝોંપડી કે ભાગ ખુલ જાયેંગે …. જબ શ્રી રામ આયેંગે ગીતો સાથે અન્ય રામ ગીતોની ગુંજ સાંભળવા મળી હતી. આ ઉપરાંત સાંજે એક સાથે અનેક ટેરેસ પર હનુમાન ચાલીસી શરુ થઈ ગઈ હતી જેના કારણે વાતાવરણ રામ મય બની ગયું હતું. સુરતના ઉતરાયણ પણ રામ મંદિર છવાતા આ તહેવાર મજા મસ્તીના તહેવારના બદલે ધાર્મિક તહેવાર બની ગયો તો.