પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રથમ સિઝનમાં રમવાની તક મળી. અખ્તર 2008 IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો ભાગ હતો. ટીમની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી. અખ્તરે એક કિસ્સો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે સચિન તેંડુલકરને શૂન્ય પર આઉટ કરવો તેના માટે મોટી ભૂલ સાબિત થઈ. અખ્તરે કહ્યું કે મેદાન પર સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ગાંગુલીને મારી ફિલ્ડ પ્લેસમેન્ટ બદલવી પડી હતી.
અખ્તરે કહ્યું, ‘અમે મુંબઈ ઈન્ડિયન્સ સામે બહુ ઓછા રન બનાવ્યા હતા. મેચ પહેલા સચિન અને મેં મૈત્રીપૂર્ણ વાતચીત કરી હતી અને અમે બંનેએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. વાનખેડેમાં સુંદર સ્ટેડિયમ હતું અને તે ભરચક હતું. પરંતુ મેં સચિનને પહેલી જ ઓવરમાં આઉટ કરી દીધો અને તે મારી મોટી ભૂલ હતી. જ્યારે હું ફાઇન લેગ પર ફિલ્ડિંગ કરતો હતો ત્યારે લોકો મારી સાથે દુર્વ્યવહાર કરતા હતા.
તેણે આગળ કહ્યું, ‘સૌરવ ગાંગુલીએ મને કહ્યું કે મિડ-વિકેટ પર આવ, આ લોકો તને મારી નાખશે. સચિનને આઉટ કરવાનું તમને કોણે કહ્યું? તે પણ મુંબઈમાં. તે મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે KKRને માત્ર 67 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શોન પોલોકે ત્રણ જ્યારે ડ્વેન બ્રાવો, રોહન રાજે અને ડોમિનિક થોર્નલીએ બે-બે વિકેટ ઝડપી હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ આઠ વિકેટે સરળતાથી જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 5.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સનથ જયસૂર્યાએ 17 બોલમાં અણનમ 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી.