દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે પાછા સાથે આવશે? : બંને નેતાઓએ આપ્યા સંકેત

by Radhika
0 comment 2 minutes read

ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ મૂખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચેના રાજકીય સંઘર્ષનું સાક્ષી આખું મહારાષ્ટ્ર છે. એમની વચ્ચેના વિવાદને કારણે  મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. અગાઉ 2019માં દેવેદ્ર ફડણવીસને મુખ્યપ્રધાનના પદથી નીચે ઉતરવું પડ્યું. અને પછી ઉદ્ધવ ઠાકરે પર પણ એ જ સમય આવ્યો.

છેલ્લા કેટલાંય સમયથી આ સંઘર્ષ વધી રહ્યો છે. પણ ટૂંક સમયમાં જ આ સંઘર્ષનો અંત આવશે એવા એંધાણ મળી રહ્યાં છે. કારણ કે ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરેએ હાલમાં જ એક બીજા વીષે એવા સાંકેતિક વિધાનો કર્યા છે જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ અમારા શત્રુ નથી પણ એમની સાથે અમારા માત્ર વૈચારિક મતભેદો છે એવું વિધાન પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ કર્યું હતું. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે પણ આ વાતને હકારાત્મક રીતે લીધી છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ શત્રુત્વની ભાવના વિકસિત થઇ છે જે નાબૂદ થવી જોઇએ એવી વાત ફડણવીસે કરી હતી. છેલ્લા ચાર વર્ષથી એક બીજા પર દોષનો ટોપલો નાંખનારા અને ટીકા કરનારા ફડણવીસ અને ઠાકરે એક બીજા વિશે અચાનક સાંકેતિક વિધાનો કરતા શું બંને ફરીથી એક મંચ પર આવશે કે શું? એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે. આદિત્ય ઠાકરે એ હાલમાં જ જણાવ્યું હતું કે મારા પિતાજી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આજે પણ સારા સંબધો છે.

અમારા મનમાં કોઇ દ્વેષ નથી. અમે કોઇને પણ વ્યક્તિગત રીતે શત્રુ સમઝતા નથી. આવું વિધાન પૂર્વ પ્રધાન અને યુવાસેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ એક ક્રાયક્રમ અંતર્ગત કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારા પરિવાર પર અનેક આરોપો કરવામાં આવ્યા છે. એકદમ નીચલા સ્તરે જઇને બોલાયુ છે છતાં મારા મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નથી. એવું પણ આદિત્ય ઠાકરે બોલ્યા હતા. સામા છેડે ફડણવીસના પણ કેટલાંક વિધાનો તેના સંકેત આપતા હોય એમ લાગે છે.

ઉદ્ધવ ઠાકરે કે પછી આદિત્ય મારા દુશ્મન નથી. અમે માત્ર વૈચારિક સ્તરે વિરોધક બન્યા છે. કારણ કે ઠાકરેએ બીજી વિચારધારા અપનાવી. તેથી અમારી વચ્ચે માત્ર મતભેદ છે મનભેદ નથી. અમે કોઇ દુશ્મન નથી. રાજકારણમાં વૈચારિક મતભેદો રહેવાના પણ આજકાલ શત્રુતા દેખાય છે જે યોગ્ય નથી. તેનો ક્યારેય તો અંત લાવવો જ પડશે એવું વિધાન ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. ઘણા બધા ઉતાર ચઢાવ બાદ આ બંનેના આવા નિવેદનો સાંભળતા ઠાકરે અને ફડણવીસ એક સાથે એક મંચ પર આવે તો કદાચ તેમાં કોઇ નવાઇ નહીં હોય. કારણ કે આ રાજકારણ છે. આમા કઇ પણ થઇ શકે છે. રાજકારણમાં કોઇ કોઇનું કાયમી ક્ષત્રુ કે મિત્ર નથી હોતું.

You may also like

Leave a Comment