Updated: Jan 2nd, 2024
– પ્રેસીડન્સી એપાર્ટમેન્ટમાં પેસેન્જર ભાડુ લઇને આવનાર રીક્ષા ચાલક સાથે મિત્રતા હતીઃ તેણે કથિત મ્યુનિ. ના ઉચ્ચ અધિકારી સંદીપ યાદવ સાથે પરિચય કરાવ્યો હતો
સુરત
સુરત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી પ્રધાનમંત્રી આવાસમાં ફ્લેટ અપાવવાના બહાને ઘોડદોડ રોડના પ્રેસીડન્સી એપાર્ટમેન્ટના વોચમેન પાસેથી રૂ. 3.55 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર રીક્ષા ચાલક સહિત બે વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ઘોડદોડ રોડ સ્થિત કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ પ્રેસીડન્સી એપાર્ટમેન્ટમાં વોચમેનની નોકરી કરતા અને ત્યાં જ રહેતા સંજય દયારામ બાઠે (ઉ.વ. 55 મૂળ રહે. ઉમઇ, તા. મુર્તિઝાપુર, અકોલા, મહારાષ્ટ્ર) એ એપાર્ટમેન્ટમાં પેસેન્જર ભાડુ લઇને આવતા રીક્ષા ચાલક વિજય ઠક્કર (રહે. શુભમ રેસીડન્સી, સચિન) સાથે મિત્રતા થઇ હતી. વિજયે પ્રધાનમંત્રી આવાસમાં ફ્લેટ જોઇએ તો મારી ઓળખાણ છે, ત્રણ-ચાર લોકોને ફ્લેટ અપાવ્યા છે. જેથી સંજયે આવાસમાં ફ્લેટ ખરીદવા વિજય ઠક્કર હસ્તક એપાર્ટમેન્ટમાં રહેતા નિતીન ગર્ગના ઘરે સંદીપ ઉર્ફે સંજય યાદવ (રહે. ભક્તિનગર-3, બમરોલી રોડ, પાંડેસરા) સાથે મુલાકાત કરાવી હતી અને સંદીપ સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ઉંચી પોસ્ટ ઉપર છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમના નેજા હેઠળ આવે છે. જેઓ ફ્લેટ અપાવશે અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપશે અને કમિશન પેટે રૂ. 50 હજાર થશે. સંદીપના કહેવાથી જીતેન્દ્ર રાજપૂતના એકાઉન્ટમાં કમિશનના રૂ. 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ સંજયે તેની પત્ની મીનાના એકાઉન્ટમાંથી રૂ. 1.50 લાખ અને રૂ. 50 હજાર મળી કુલ રૂ. 2 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને ફાઇલ આગળ વધારવા ટુક્ડે-ટુક્ડે વિજય ઠક્કર રૂ. 80 હજાર લઇ ગયો હતો. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ તથા સુમન કાવ્યા સ્કીમના નામે ફ્લેટ ફાળવણીનો વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો અને રૂ. 2.65 લાખ સબસીડી મળવાપાત્ર છે. જેના માટે કોર્પોરેશનમાં રૂ. 48,800 ભરવા પડશે એવું કહેતા સંજયે રૂ. 25 હજાર ભર્યા હતા અને સંદીપે વધુ પૈસાની માંગણી કરતા સંજય બાઠે ફ્લેટ એલોટમેન્ટ અંગે પૂછપરછ કરતા ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. સંજયે વ્હોટ્સએપ ઉપર મોકલાવેલી રસીદ અંગે તપાસ કરતા સુલભાબેન પાટીલના નામનો ફ્લેટ હોવાનું જાણવા મળ્યું હતું.