નાઈટ શિફ્ટમાં કામ કરતો બિહારી કારીગર એમ્બ્રોઈડરી મશીનમાંથી સીકવન્સ ડીવાઈઝ તથા તેના કાર્ડ ચોરી રીક્ષામાં જતો ફુટેજમાં નજરે ચઢ્યો
બીજા દિવસે સવારે અન્ય કારીગર કામ પર આવતા અને મશીન ચાલુ નહીં થતા તપાસ કરી ત્યારે ચોરીની જાણ થઈ
Updated: Jan 12th, 2024
– નાઈટ શિફ્ટમાં કામ કરતો બિહારી કારીગર એમ્બ્રોઈડરી મશીનમાંથી સીકવન્સ ડીવાઈઝ તથા તેના કાર્ડ ચોરી રીક્ષામાં જતો ફુટેજમાં નજરે ચઢ્યો
– બીજા દિવસે સવારે અન્ય કારીગર કામ પર આવતા અને મશીન ચાલુ નહીં થતા તપાસ કરી ત્યારે ચોરીની જાણ થઈ
સુરત, : સુરતના વરાછા ભવાની સર્કલ સ્થિત પટેલનગરમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં નાઈટ શિફ્ટમાં કામ કરતો બિહારી કારીગર એમ્બ્રોઈડરી મશીનમાંથી સીકવન્સ ડીવાઈઝ તથા તેના કાર્ડ મળી રૂ.3.50 લાખના પાર્ટસ ચોરી રીક્ષામાં ફરાર થતા વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ બરવાળાના ખાભંડા ગામના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ પૂર્વી સોસાયટી ઘર નં.એ/17 માં રહેતા 37 વર્ષીય સંજયભાઇ પ્રભુભાઇ પટેલ વરાછા અશ્વનીકુમાર રોડ ભવાની સર્કલ સ્થિત પટેલનગર એ/68 માં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે.તેમના કારખાનામાં નાઈટ શિફ્ટમાં કામ કરતો અને કારખાનામાં જ રહેતો કારીગર મુકેશ રવિંદ્ર રાવ ( ઉ.વ.38, મુળ રહે.લોકરિયા ગામ, મિડલ સ્કુલથી 300 મિટર સાઉથમાં, જી.વેસ્ટ ચંપારણ, બિહાર ) ગત 17 મી ની રાત્રે નોકરીએ હતો.દરમિયાન, બીજા દિવસે સવારે દિવસની શિફ્ટમાં નોકરી કરતો કારીગર રાજેશકુમાર રામઆશરે કામ પર આવ્યો અને મશીન ચાલુ કરવા પ્રયત્ન કર્યો પણ મશીન ચાલુ નહીં થતા સંજયભાઈને જાણ કરી હતી.
સંજયભાઇએ કારખાનામાં જઈ તપાસ કરી તો એમ્બ્રોઈડરી મશીનમાંથી 27 નંગ સીકવન્સ ડીવાઈઝ અને 27 નંગ સીકવન્સ ડીવાઈઝના કાર્ડ નહોતા.આથી તેમણે કારખાનાની સામેના કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો મુકેશ રાત્રી દરમિયાન રૂ.3.50 લાખની મત્તાના પાર્ટસ રીક્ષામાં મૂકી ચોરી કરી ફરાર થતો નજરે ચઢ્યો હતો.આ અંગે સંજયભાઇએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.