Updated: Oct 10th, 2023
– મૂળ પોરબંદરની તરૂણી ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરતી તરૂણી દાદાની તબિયત ખરાબ છે કહીને નીકળીઃ ભાઇએ ગુગલમાં સર્ચ હીસ્ટ્રી ચેક કરતા પટેલ ટ્રાવેર્લ્સમાં સુરતથી રાજકોટ સર્ચ કર્યુ હતું
– પટેલ ટ્રાવેર્લ્સમાં સુરતથી રાજકોટની ટિકીટ બુક કરાવી ગોંડલ ચોકડી ખાતે ઉતર્યા બાદ પત્તો નથી, પરિજનો અને પોલીસ દોડતી થઇ
સુરત
સુરતના અઠવા ગેટ વિસ્તારની હોસ્ટેલમાં રહેતી અને ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરતી મૂળ પોરબંદરની તરૂણી દાદાની તબિયત ખરાબ છે એમ કહી અમદાવાદ જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા ઉમરા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે ગુગલની સર્ચ હિસ્ટ્રીના આધારે પટેલ ટ્રાવેર્લ્સની બસમાં ટિકીટ બુક કરાવી તરૂણી ગોંડલ ચોકડી ખાતે ઉતરી હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
શહેરના અઠવા ગેટ વિસ્તારની હોસ્ટેલમાં છ મહિનાથી રહેતી અને ફેશન ડિઝાઇનીંગ અભ્યાસ કરતી 16 વર્ષીય ઇશાની (નામ બદલ્યું છે) ને ગત શનિવારે વતન પોરબંદર ખાતે રહેતા ભાઇએ વિડીયો કોલ કર્યો હતો. પરંતુ ઇશાનીએ કોલ કટ કરી પોતે હાલમાં સિલાઇ કામ કરે છે અને પછી કોલ કરે એવો મેસેજ કર્યો હતો. જેથી ભાઇએ તુરંત જ માતાને જાણ કરી હતી પરંતુ માતાએ ભાઇને કહ્યું હતું કે હોસ્ટેલમાં કપડા સિલાઇનું કામ કે મશીન નથી. જેથી ભાઇ ચોંકી ગયો હતો અને પુનઃ કોલ કર્યો હતો પરંતુ તેણીએ ફોન રિસીવ કર્યો ન હતો અને ત્યાર બાદ ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. જેથી માતાએ હોસ્ટેલમાં રહેતી ઇશાનની ફ્રેન્ડને કોલ કરતા તેણીએ કહ્યું હતું કે દાદાની તબિયત ખરાબ છે અને હું અમદાવાદ જાઉં છું એવું કહી સાંજે પાંચેક વાગ્યે ઇશાની નિકળી ગઇ છે. જેને પગલે માતા-પિતા અને ભાઇ ચોંકી ગયા હતા. જો કે ઇશાનીનું મેઇલ આઇ.ડી તેના ભાઇના મોબાઇલમાં ઓપન હોવાથી તેણે ગુગલ હીસ્ટ્રી ચેક કરતા ઇશાનીએ પટેલ ટ્રાવેર્લ્સમાં સુરતથી રાજકોટ સર્ચ કર્યુ હોવાથી ભાઇએ તુરંત જ સરથાણા વિસ્તારમાં રહેતા કાકાને જાણ કરી હતી. કાકાએ વરાછાના હીરાબાગ ખાતે પટેલ ટ્રાવેર્લ્સની ઓફિસમાં જઇ તપાસ કરતા ઇશાનીએ સુરતથી રાજકોટની બસની ટિકીટ બુક કરાવી હતી અને સાંજે 6 વાગ્યે ઓફિસે આવી ત્યારથી લઇ રાતે 10.15 કલાકે બસ ઉપડી ત્યાં સુધી ઓફિસમાં એકલી બેઠી હતી અને સવારે ગોંડલ ચોકડી પાસે 7.30 વાગ્યે બસમાંથી ઉતરી હોવાનું જણાવ્યું હતું.