દરવાજા અને ગ્રીલના નકુચા તોડી તસ્કરો દિવાળીના દિવસોમાં થયેલા વકરાના નાણાં ચોરી ગયા
22 મોંઘા મોબાઈલને હાથ પણ ન લગાડયો
Updated: Nov 18th, 2023
– દરવાજા અને ગ્રીલના નકુચા તોડી તસ્કરો દિવાળીના દિવસોમાં થયેલા વકરાના નાણાં ચોરી ગયા
– 22 મોંઘા મોબાઈલને હાથ પણ ન લગાડયો
સુરત, : સુરતના ડીંડોલી મહાદેવનગર 4 માં રહેતા મોબાઈલ વેપારી દિવાળીમાં પરિવાર સાથે વતન અયોધ્યા ગયા હતા ત્યારે તસ્કર ઘરના દરવાજાના તેમજ ગ્રીલના નકુચા તોડી ઘરમાં પ્રવેશી કબાટના લોકર તોડી તિજોરીમાં મુકેલા રોકડા રૂ.4.54 લાખ ચોરી ફરાર થઈ ગયો હતો.ચોરી કરનારે કબાટમાં મુકેલા મોંઘા 22 મોબાઈલ ફોનને હાથ પણ લગાડયો નહોતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાના ઈચોલિયાના વતની અને સુરતમાં ડીંડોલી મહાદેવનગર 4 પ્લોટ નં.131, 132 માં પોતાના પરિવાર અને બે ભાઈ પંકજ તેમજ સુમિત અને તેના પરિવાર સાથે રહેતો 28 વર્ષીય સુધીર ત્રિભુવનપ્રસાદ સીંગ સહારા દરવાજા રાજીવનગર ખાતે ભોલેનાથ મોબાઈલ શોપના નામે મોબાઈલ ફોનની દુકાન ધરાવે છે.દિવાળીનો તહેવાર હોય સુધીર ગત ચોથીએ પત્ની, બંને ભાભી અને બાળકો સાથે વતન અયોધ્યા ગયો હતો.જયારે તેના બે ભાઈ દિવાળી હોય દુકાન ચાલુ રાખી અહીં જ રોકાયા હતા.દિવાળીના દિવસોમાં થયેલા વકરાના રૂ.4.50 લાખ તેઓ ઘરમાં કબાટની તિજોરીમાં મૂકી ઘરને લોક કરી 13 મી ની રાત્રે ઉધના સ્ટેશનથી અયોધ્યા જવા માટે ટ્રેનમાં બેસ્યા હતા.જોકે, તેઓ રસ્તામાં હતા ત્યારે જ બીજા દિવસે સવારે 6.30 વાગ્યે તેમના પડોશી બ્રિજેશભાઈએ ફોન કરી ઘરના દરવાજાના તેમજ ગ્રીલના નકુચા તોડી ચોરી થઈ છે તેવી જાણ કરી હતી.
આ અંગે બંને ભાઈઓએ સુધીરને જાણ કરતા તે સુરત દોડી આવ્યો હતો અને તપાસ કરતા તસ્કર ઘરના દરવાજાના તેમજ ગ્રીલના નકુચા તોડી ઘરમાં પ્રવેશી કબાટના લોકર તોડી તિજોરીમાં મુકેલા રોકડા રૂ.4.50 લાખ અને ભાઈભાભીના રૂમમાં કબાટનું લોક તોડી તેમાંથી રૂ.4 હજાર મળી કુલ રૂ.4.54 લાખ રોકડા ચોરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.જોકે, તસ્કરે રૂ.4.50 લાખ સાથે મુકેલા મોંઘા 22 મોબાઈલ ફોનને હાથ પણ લગાડયો નહોતો.બનાવ અંગે સુધીરે ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.