પાંડેસરા અજાણ્યાની હત્યા થયેલી લાશનો ભેદ ઉકેલાયોઃ વતનની જમીન વેચી રૂપિયા ઉડાવતા યુવાનની પત્ની, જમાઇ અને તરૂણ પુત્રએ હત્યા કરી

by Aadhya
0 comment 3 minutes read

Updated: Dec 10th, 2023

– કામધંધો કરતો ન હતો અને જમીન વેચી રૂપિયા ઉડાવવાની સાથે રોજબરોજ પત્ની, પુત્ર અને પુત્રીને મારતો હતોઃ જમાઇ સમજાવવા જતા ચપ્પુ લઇને દોડતા મોબાઇલ ચાર્જીગ કેબલ વડે ગળે ટુંપો આપી દીધો
– કોઇને ગંધ નહીં આવે તે માટે મોડી રાતે પુત્ર અને જમાઇ બાઇક પર લાશ ગાંધી કુટીર પાસે ફેંકી દીધી હતી

સુરત

પાંડેસરાના ગાંધીકુટીર ખાડી પુલ પાસેથી હત્યા થયેલી લાશ મળી આવવાની ઘટનામાં મૃતકની ઓળખ મેળવવાની સાથે પોલીસે હત્યારાના રૂપમાં મૃતકની પત્ની અને જમાઇની ધરપકડ કરી છે જયારે તરૂણ વયના પુત્રને ડિટેઇન કર્યો છે. પ્રાથમિક તપાસમાં કામધંધા વગર ફર્યા કરતો મૃતક વતનની જમીન વેચી રૂપિયા ઉડાવતો હોવા ઉપરાંત ઝઘડા કરી પત્ની, પુત્ર અને પુત્રીને મારતો હોવાથી હત્યા કર્યાની કબૂલાત કરી છે.
પાંડેસરાના કૈલાશ નગર ચોકડીથી ગાંધીકુટીર તરફ જવાના રોડ ઉપર ખાડી પુલ નજીકથી અજાણ્યા 35 થી 40 વર્ષીય યુવાનની ગળાના ભાગે ચકામા તથા ડાબી આંગ ઉપર ઇજાના નિશાન સાથે હત્યા થયેલી લાશ મળી આવી હતી. પાંડેસરા પોલીસ મૃતકની ઓળખ માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા અને મૃતકના ફોટાના આધારે તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત મૃતક યુવાન પાંડેસરા કૈલાશ ચોકડીની વિનાયક નગર સોસાયટીમાં રહેતા રાજારામ ધોલાઇ યાદવ (ઉ.વ. 37 મૂળ રહે. કસીહાર, તા. ચૌરા, ગોરખપુર, યુ.પી) હોવાનું બહાર આવ્યું હતું.

જેથી પોલીસ તેના રહેણાંક ખાતે પહોંચી હતી પરંતુ રાજારામનું ઘર બંધ હતું અને તપાસ કરતા પરિજનો કૈલાશ ચોકડી નજીક જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતી પુત્રીને ત્યાં હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં પહોંચી હતી. જયાંથી રાજારામની પત્ની ઉર્મીલા યાદવ (ઉ.વ. 34), 17 વર્ષીય પુત્ર અને કલરકામ કરતા તેના જમાઇ રાજુ રામધારી યાદવ (ઉ.વ. 36 મૂળ રહે. રાજીબિલવા, તા. રૂદપુર, દેવરીયા, યુ.પી) ની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ગોળગોળ વાત કર્યા બાદ રાજારામની હત્યા તેમણે જ કર્યાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે રાજારામ કામધંધો કરતો ન હતો અને વતન ખાતેની જમીન વેચી દઇ રૂપિયા ઉડાવતો હતો. ઉપરાંત રોજબરોજ પત્ની ઉર્મીલા, પુત્ર અને પુત્રીને માર મારતો હતો. બે દિવસ અગાઉ પણ રાજારામે પત્ની અને પુત્ર સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેથી જમાઇ રાજુએ સમજાવવાનો પ્રયાસ કરતા ચપ્પુ લઇ તેને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પત્ની ઉર્મીલા, તરૂણ પુત્ર અને જમાઇએ મોબાઇલ ચાર્જરના કેબલ વડે ગળે ટુંપો આપી હત્યા કરી હતી. ત્યાર બાદ રાહદારીઓની અવરજવર ઓછી છતા મોડી રાતે જમાઇ અને પુત્ર રાજારામની લાશ બાઇક ઉપર લઇ જઇ ગાંધીકુટીર પાસે ફેંકીને પરત ઘરે આવી ગયા હતા.

Source link

You may also like

Leave a Comment