Updated: Jan 12th, 2024
– ખંડણી પેટે બિટકોઇન માંગવાના કેસમાં સંડોવાયેલા શૈલેષ ભટ્ટની અરજીના આધારે પોલીસે પરેશ પટેલ સામે ગુનો દાખલ કર્યો
– ગવિયર ગામના યુવાનની મુંબઇ પોલીસે છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા શૈલેષ ભટ્ટે ફરિયાદ કરી હતી
સુરત
ગુજરાત રાજયમાં ચર્ચાસ્પદ બનેલા ખંડણી પેટે કરોડો રૂપિયાના બિટકોઇન માંગવાના પ્રકરણમાં સંડોવાયેલા વેસુ વિસ્તારમાં રહેતા જમીન દલાલને ફ્રુટ અને શાકભાજીના હોલસેલના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી રોકાણ અને નફો મળી કુલ રૂ. 3.15 કરોડ નહીં ચુકવી છેતરપિંડી કરનાર ગવિયર ગામના યુવાન વિરૂધ્ધ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ખંડણી પેટે કરોડો રૂપિયાના બિટકોઇન માંગવાના વિવાદીત પ્રકરણમાં સંડોવાયેલા જમીન દલાલ શૈલેષ બાબુલાલ ભટ્ટ (ઉ.વ. 45 રહે. કેસલ બ્રાઉન, અંબાણી સ્કૂલની બાજુમાં, વેસુ) ની ત્રણ વર્ષ અગાઉ મિત્ર ચતુર રામાણી હસ્તક ફ્રુટ અને શાકભાજીનો હોલસેલમાં ધંધો કરતા પરેશ વલ્લભ પટેલ (રહે. સેટેલાઇટ બંગ્લોઝ, ગવિયર રોડ, સુરત તથા પટેલ ફળિયું, ગવિયર, સુરત) સાથે પરિચય અને ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.
હોલસેલના ધંધામાં ફ્રુટ અને શાકભાજી ખરીદી કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવા જયારે પણ રૂપિયાની જરૂર પડે ત્યારે પરેશ શૈલેષ પાસેથી હાથ ઉછીના લઇ પરત કરી દેતો હતો. દરમિયાનમાં ડિસેમ્બર 2022 માં સફરજન, લીમ્બું, અંજીર અને કાજુ સ્ટોક કરવાના હોવાથી પરેશે શૈલેષને ધંધામાં રોકાણ કરવાનું કહી 50-50 ટકા નફાની ઓફર કરી આર્ય જેમ્સ અને માતૃશ્રી ઇમ્પેક્સ નામે કંપની શરૂ કરી હતી. જેમાં શૈલેષ ભટ્ટે 3 નવેમ્બરથી 25 નવેમ્બર 2023 અંતર્ગત ચેક અને રોકડેથી રૂ. 94 લાખ આપ્યા હતા. જયારે નવેમ્બર 2022 થી એપ્રિલ 2023 સુધીમાં નફાના 50 ટકા મુજબ રૂ. 2.31 કરોડ શૈલેષ ભટ્ટે પરેશ પટેલ પાસેથી લેવાના હતા. જેની સામે પરેશ પટેલે રૂ. 10 લાખ પરત આપ્યા હતા અને બાકી રકમ માટે બાંહેધરી ખતની સાથે અલગ-અલગ રકમના ચેક આપ્યા હતા. પરંતુ શૈલેષ ભટ્ટે ચેક બેંકમાં ડિપોઝીટ કરતા અપૂરતી બેલેન્સના કારણે રીટર્ન થયા હતા અને નફો ચુકવવા માટે વાયદા પર વાયદા કર્યા હતા. ઉપરાંત ગત ઓક્ટોબર મહિનામાં પરેશ પટેલની મુંબઇ પોલીસે ઉંચા વળતરની લાલચ આપી રૂ. 74 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. જેથી શૈલેષ ભટ્ટે પરેશ વિરૂધ્ધ અરજી કરી હતી જેના આધારે તપાસ બાદ વેસુ પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.