Updated: Jan 3rd, 2024
– મુખ્ય શિક્ષકો વર્ગખંડમાં ભણાવવા જતા નથી અને દૈનિક નોંધપોથી પણ નિયમિત લખતા ન હોવાથી ફરિયાદ : કેટલાક મુખ્ય શિક્ષકો નિયમ પ્રમાણે પીરીયડ લે છે તેઓની સ્કુલમાં સ્થિતિ સારી
સુરત,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ વચ્ચે મુખ્ય શિક્ષકોની કામગીરી સામે વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકો તાસ ન લેતા હોવાથી અન્ય શિક્ષકો પર ભારણ આવી રહ્યું છે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકો વર્ગખંડમાં ભણાવવા જતા નથી અને દૈનિક નોંધપોથી પણ નિયમિત લખતા ન હોવાથી ફરિયાદ થઈ રહી છે. જો મુખ્ય શિક્ષકો વર્ગખંડમાં જાય તો અન્ય શિક્ષકો પર પણ ભારણ ઓછું થાય અને વિદ્યાર્થીઓને પણ સારો અભ્યાસ મળી શકે તેમ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ છે તેમાં સરકાર દ્વારા અને પાલિકા દ્વારા હંગામી શિક્ષકોની નિમણૂક કરી છે. તેમાંથી અનેક શિક્ષકો હાજર થયાં નથી અને કેટલાક શિક્ષકો ઉચ્ચ ધોરણ માટેના છે તેઓના ધોરણ પાંચથી નીચેના ધોરણ માટે મુકવામાં આવ્યા છે તેથી અનેક શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
શિક્ષણ સમિતિમાં એક તરફ શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ મોટા ભાગના આચર્ય વર્ગખંડમાં જતા નથી તેવી વ્યાપક ફરિયાદ બહાર આવી છે. આ મુખ્ય શિક્ષક વર્ગ ખંડમાં જતા ન હોવાથી અન્ય સાથી શિક્ષકો પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે. કેટલાક મુખ્ય શિક્ષકો નિયમ પ્રમાણે ત્રણ તાસ (પિરિયડ) લઈ રહ્યા છે તે શાળામાં અન્ય શિક્ષકો પરનું ભારણ ઓછું છે અને શાળામાં શિક્ષણનું સ્તર પણ સારી થઈ રહ્યું છે. પરંતુ અનેક શાળામાં આચાર્ય દ્વારા પિરીયડ લેવામાં આવતા નથી તેના કારણે કેટલાક શિક્ષકો એ એક કરતાં વધુ વર્ગખંડ સંભાળવવા પડી રહ્યાં છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત કેટલાક આચાર્ય દ્વારા દૈનિક નોંધપોથી લખવાની હોય છે તે પણ નિયમિત લખાતી ન હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. કેટલાક મુખ્ય શિક્ષકો નિયમ પ્રમાણે તાસ લે છે તેવી જ રીતે તમામ મુખ્ય શિક્ષકો દિવસના ત્રણ પિરિયડ લે તો શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકો પરનું ભારણ ઓછું થાય અને શિક્ષણનું સ્તર પણ સુધરે તેવી શક્યતા છે. જોકે, આ અંગે સમિતિ કે શાસકો કોઈ રસ લેતા ન હોવાથી કેટલીક શાળામાં શિક્ષણનું સ્તર સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે.